જન શતાબ્દી ટ્રેનને નડિયાદ સ્ટોપેજથી કેન્દ્રીય મંત્રીએ લીલી ઝંડી આપી

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના પ્રયત્નોથી જન શતાબ્દી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ મળતા જનતામાં હર્ષની લાગણી જોવા મળી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદના જંકશન રેલવે સ્ટેશન પર આજે અમદાવાદ – કેવડીયા જન શતાબ્દી એક્ષપ્રેસ ટ્રેન આવી પહોંચી હતી.

જન શતાબ્દી એક્ષપ્રેસ ટ્રેનને નડિયાદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ અપાતા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે ટ્રેનના આગમન સમયે નડિયાદ સ્ટેશન પર ઉપસ્થિત રહી ટ્રેનનું સ્વાગત કર્યું હતું અને એન્જીનનું પૂજન કરી લોકોએ -પાયલોટને મોં મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે ડી.આર.એમ(વડોદરા) અમિત ગુપ્તા સહીત રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનીટી- કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,“વિશ્વ વંદનીય મહાપુરુષ સરદાર સાહેબની વિશાળ પ્રતિમાના દર્શન કરવા જતા યાત્રીઓ પૈકી નગર નડિયાદ સહિત ખેડા જીલ્લાની જનતાને સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદથી જ આ ટ્રેનનો લાભ મળી રહે તે ઉદ્દેશથી નડિયાદ સ્ટેશનને આ સ્ટોપેજ મળ્યું છે. ત્યારે તેના લાભાર્થી મુસાફરો-નાગરિકો આ ટ્રેનનો વધુમાં વધુ લાભ લે તેવી મારી લાગણી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમાના દુનિયાને દર્શન કરાવ્યા, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા-એકતા નગર જતી અમદાવાદથી ઉપડતી જન શતાબ્દી ટ્રેનનું સરદાર પટેલ જન્મભૂમિ નડિયાદને જ સ્ટોપેજ અપાયું નહોતું. જેથી લોકલાગણી દુભાઈ હતી. લોકોની લાગણી, માંગણી અને રજુઆતો તેમને મળતા આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ આપેલા સાનુકુળ પ્રતિસાદના પગલે જન શતાબ્દી ટ્રેનને નડિયાદ રેલવે સ્ટેશન પર અપ અને ડાઉન ટ્રેનોને સ્ટોપેજની સુવિધા ઉપલબ્ધ બની છે.

બાંદ્રા-ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્ષપ્રેસ ટ્રેન અને મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ઓખા-સૌરાષ્ટ્ર મેલનું પણ ડાઉન સ્ટોપેજ નડિયાદને મળ્યું છે. આવનારા સમયમાં કોરોના મહામારી અને લોકડાઉન સમયથી નડિયાદ સ્ટેશન પરથી જતી આવતી અને રોજીંદા મુસાફરોને ઉપયોગી “મેમુ” સહિતની ટ્રેનો પૂર્વવત ચાલુ થઇ જશે એમ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *