ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ૧૦ ફેબ્રુઆરીના રોજ પ્રથમ તબક્કાના મતદાન સાથે ચૂંટણીની શરૂઆત થઈ હતી અને ૭ માર્ચે મતદાનના સાતમા રાઉન્ડ સાથે સમાપ્ત થઈ હતી. ઉત્તર પ્રદેશની ૪૦૩, પંજાબની ૧૧૭, ગોવામાં ૪૦, ઉત્તરાખંડની ૭૦ અને મણિપુરની ૬૦ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.
આ રાજ્યોમાં કોઈ પણ પાર્ટીએ સરકાર બનાવવા માટેનો બહુમતીનો આંકડો ઉત્તર પ્રદેશમાં ૨૦૨, ગોવામાં ૨૧, ઉત્તરાખંડમાં ૩૬, મણિપુરમાં ૩૧ અને પંજાબમાં ૫૯ છે. આ ૫ રાજ્યોમાં વર્તમાનમાં કોની સરકાર છે તેની વાત કરીએ તો, ૪ રાજ્યો ગોવા, યુપી, ઉત્તરાખંડ અને મણિપુરમાં ભાજપની સરકાર છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસ સત્તામાં છે.
આજે સવારે ૦૮:૦૦ વાગ્યાથી મતદાન ગણતરી કેન્દ્રો પર મત ગણતરી શરુ થશે. આ મતગણતરીમાં પ્રથમ બેલેટ પેપરથી થયેલા મતોની ગણતરી શરુ થશે ત્યાર બાદ ઈવીએમ ખોલવામાં આવશે અને ઈવીએમ દ્વારા થયેલા મતોની ગણતરી થશે. મતગણતરીને લઈને હાલ મતદાન ગણતરી કેન્દ્રો પર કડક પોલીસ બંદોબંસ્ત ગોઠવાયો છે.
એક્ઝિટ પોલમાં જાહેર થયેલા મતદારોના મુડના આંકડા જોઈએ તો ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બની શકે છે. પંજાબ વિધાનસભાના એક્ઝિટ પોલ પ્રમાણે આમ આદમી પાર્ટી લીડમાં રહેશે. ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં પણ સત્તા માટે કાંટાની ટક્કર રહી શકે છે.