સાબરકાંઠા જીલ્લામાં ગત વર્ષે બટાકાના ભાવમાં કડાકો બોલી ગયા બાદ ચાલુ વર્ષે ડબલ ભાવ સાથે લેવાલી વધતાં બટાકાના વાવેતર કરનાર ખેડૂતોમાં સિઝનના પ્રારંભના તબક્કામાં ખેડૂતોમાં આનંદનું મોજુ ફરી વળ્યુ છે તેમાંય ઓર્ગેનીક બટાકાના વાવેતર કરનાર ખેડૂતોમાં પણ વધારો થયો છે.
ગત વર્ષે ખેડૂતોને બટાકાના પ્રતિ મણે રુ.૬૦ થી ૧૨૫ મળતા હતા જ્યારે ચાલુ વર્ષે રુ.૧૯૦ થી ૨૩૫ નો ભાવ મળી રહ્યો છે. ઓર્ગેનીક બટાકાનું વાવેતર કરનાર કલોલ કંપાના ખેડૂત પ્રવિણભાઈ પટેલ છેલ્લા પાંચ વર્ષથી ઓર્ગેનીક બટાકાના ઉત્પાદન કરે છે.
સુભાષ પાલેકરની શિબિરની પ્રેરણા લઈને ગૌમૂત્ર, ગોબર, છાશ, ગોળ વગેરે મિક્સ કરીને પ્રવાહી બનાવીને તેને બટાકાના વાવેતરમાં છંટકાવ વર્ષે છે અને આ બટાકાનું શાક પણ બનાવી શકાય છે અને એક માસ સુધી બટાકાનો ઉપયોગ ના કરો તો પણ તે બટાકા બગડતા નથી. સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે ખેડૂતોએ ૨૨૫૮૭ હેકટરમાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતાં પ્રતિ વીઘાએ રુ.૧૦ થી ૧૫ હજારનો ફાયદો થતાં ખેડૂતો ખુશખુશાલ છે.