૫ રાજ્યોની ચૂંટણીમાં મળેલી હાર મામલે કોંગ્રેસે જણાવ્યું કે, અમે ચૂંટણી પરિણામોથી નિરાશ જરૂર થયા છીએ પરંતુ હતાશ નથી થયા. અમે ફક્ત ચૂંટણી હાર્યા છીએ, હિંમત નથી હાર્યા.
મહાસચિવ રણદીપ સુરજેવાલા: અમે ક્યાંય નથી જઈ રહ્યા, જ્યાં સુધી વિજય ન મળે અને તે જીત જનતાની જીત ન હોય ત્યાં સુધી અમે લડતા રહીશું. અમે નવા ફેરફાર અને નવી રણનીતિ સાથે પાછા આવીશું. અમારૂં માનવું છે કે, જનતાના વિવેક, નિર્ણય પર કદી સવાલ ન કરી શકાય. અમને ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં વધુ સારા પરિણામોની અપેક્ષા હતી. કોંગ્રેસે સ્વીકાર્યું કે, કેપ્ટન અમરિંદર સિંહની 4.5 વર્ષની સત્તાવિરોધી લહેરમાંથી બહાર ન નીકળી શકાયું. જનતાએ પરિવર્તન માટે મતદાન કર્યું. સુરજેવાલાએ ભગવંત માન અને અરવિંદ કેજરીવાલને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
સુરજેવાલાએ સ્વીકાર્યું યુપીમાં તેઓ કોંગ્રેસને જમીની સ્તરે પુનર્જીવીત કરવામાં તો સફળ રહ્યા પરંતુ જનમતને બેઠકોમાં ન ફેરવી શક્યા. ગોવા અને ઉત્તરાખંડમાં ખૂબ સારી રીતે લડ્યા પરંતુ લોકોના મન ન જીતી શક્યા. તેમના મતે ભાવનાત્મક મુદ્દાઓ લોકોના જીવન સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ક્યાંકને ક્યાંક હાવી થઈ ગયા.