પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતની ૨ દિવસીય મુલાકાતે છે. ત્યારે ગઈકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સહભાગી થવા ગુજરાત આવી પહોંચ્યા હતા. ગઈકાલે એટલે કે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રીની ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે રાત્રે શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયા હતી.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના પગલાં અંગે ચર્ચા વિચારણાઓ કરી હતી, જેનાથી યાત્રાળુઓ અને પ્રવાસીઓને ફાયદો થશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથને એક આદર્શ તીર્થ બનાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે, જે લોકોને સોમનાથ આવવા માટે પ્રેરિત કરશે.
આ બેઠક દરમિયાન ટ્રસ્ટના સભ્યોએ ભવિષ્યની જરૂરિયાતોને કેવી રીતે અસરકારક રીતે પૂરી કરી શકીએ તેના પર તેમના મૂલ્યવાન ઇનપુટ્સ શેર કર્યા હતા. કોવિડ-૧૯ મહામારી અને તાઉ’તે વાવાઝોડા દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા સંનિષ્ઠ પ્રયાસોની પણ પ્રશંસા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લાલકૃષ્ણ અડવાણી પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠકમાં સહભાગી થયા હતા.