દેશભરમાં કોરોનાના કેસો અને સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં ગઈકાલે નોંધાયેલા નવા કેસોની સરખામણીએ આજે કોરોનાના નવા કેસોમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૩,૬૧૪ નવા કેસ નોંધાયા છે. જેની સામે છેલ્લા ૨૪ કલાકમાં ૫,૧૮૫ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે, તેમજ ઘણા સમય બાદ બે આંકડામાં એટલે કે ૮૯ લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. દેશમાં હાલ સક્રિય કેસની સંખ્યા ૪૦,૫૫૯ એ પહોંચી છે. દેશભરમાં અત્યારસુધીમાં કુલ ૪,૨૪,૩૧,૫૧૩ દર્દીઓએ સફળતા પૂર્વક કોરોના મહામારીને મ્હાત આપી છે.
કોરોના મહામારીના સંક્રમણમાં ઘટાડો લાવવામાં રસીકરણ અભિયાનનો મહત્વનો ફાળો રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જ દેશમાં ૧૮,૧૮,૫૧૧ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે. જ્યારે અત્યારસુધીમાં કોરોના રસીના કુલ ૧,૭૯,૯૧,૫૭,૪૮૬ થી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોના ટેસ્ટિંગનો દર પણ હાલમાં વધારવામાં આવ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮,૨૧,૧૨૨ લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે અત્યારસુધીમાં કુલ ૭૭,૭૭,૫૮,૪૧૪ કરોડથી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.