સુપરસોનિક મિસાઈલ પાકિસ્તાનની સરહદમાં ૧૨૪ કિ.મી. અંદર બહાવલપુર નજીક મિયાં ચુન્નુ વિસ્તારમાં પડી હતી, જ્યાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનું ઘર હોવાનું મનાય છે. પાકિસ્તાને ભારત પર ૯મીએ તેના દેશની સરહદમાં સુપરસોનિક મિસાઈલ છોડવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. જવાબમાં ભારતીય સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે કબૂલ્યું હતું કે, ટેકનિકલ ખામીના પગલે આ સુપરસોનિક મિસાઈલ પાકિસ્તાનમાં પહોંચી ગઈ હતી. ભારતે આ ભૂલ બદલ માફી માંગી છે અને આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.
સંરક્ષણ મંત્રાલયે આ કઈ મિસાઈલ હતી અને ક્યાંથી છોડવામાં આવી હતી કે ભૂલથી છૂટી હતી તે અંગે કશું કહ્યું નહોતું. મંત્રાલયે માત્ર એટલું જ કહ્યું કે, નિયમિત મેઈન્ટેનન્સ દરમિયાન ટેકનિકલ ખામીના પગલે મિસાઈલ અચાનક ફાયર થઈ ગઈ હતી. એટલું સારું છે કે આ મિસાઈલ શસ્ત્રવિનાની હતી અને તેનાથી કોઈ જાનહાની થઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ આ બ્રહ્મોસ મિસાઈલ હતી અને તે હરિયાણાના સિરસા એર બેઝથી ફાયર થઈ હતી. સિરસા ભારતીય એરફોર્સનું એક મહત્વનું એરબેઝ છે.
પાકિસ્તાનના મિયાં ચન્નૂમાં જ્યાં આ સુપરસોનિક મિસાઈલ પડી હતી તે જગ્યા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના બહાવલપુર સ્થિત ઘરથી માત્ર ૧૬૦ કિ.મી. દૂર છે. બુધવારે આ મિસાઈલ પાકિસ્તાનમાં પડતાં ત્યાં દોડધામ મચી ગઈ હતી. પાકિસ્તાની સૈન્યના મીડિયા વિંગના ડીજીએ પાકિસ્તાનની એરફોર્સના એરવાઈસ માર્શલ રેન્કના અધિકારી સાથે પ્રેસ કોન્ફરન્સ કરી ભારત પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સંદર્ભમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયે શુક્રવારે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓને સમન્સ પાઠવ્યા હતા અને આ ઘટનાની જાણ કરી હતી.
પાકિસ્તાની સૈન્યે ભારત પર આક્ષેપ કરતાં કહ્યું કે, ૯મી માર્ચે ભારતના સિરસાથી પાકિસ્તાનના મિયા ચન્નુ વિસ્તારમાં એક સુપરસોનિક મિસાઈલ છોડવામાં આવી હતી. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમાં કોઈ વોર-હેડ એટલે કે દારૂગોળો નહોતો અને તેનાથી કોઈ વધુ નુકસાન થયું નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય એરોસ્પેસ સેફ્ટી પ્રોટોકોલને ટાંકીને પાકિસ્તાની સૈન્યે તેને ભારતની બેદરકારી ગણાવી હતી. આ મિસાઈલ અંદાજે ૪૦ હજાર ફૂટની ઊંચાઈથી નીચે આવી હતી. પાકિસ્તાનમાં ૩૫ હજાર ફૂટની ઊંચાઈએ નાગરિક વિમાનો ઉડતા હોવાથી તે નિશાન બની શક્યા હોત.
પાકિસ્તાની સૈન્યના ડીજીએ કહ્યું કે, પાકિસ્તાની એર ડિફેન્સ એજન્સીએ ભારતની આ સુપરસોનિક મિસાઈલનો રૂટ ટ્રેક કર્યો હતો, જે સિરસા નજીકથી રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ તરફથી સરહદ પાર કરીને બહાવલપુરના મિયાં ચુન્નૂ વિસ્તારમાં પડી હતી. આ મિસાઇલ ભારતની સરહદમાં અંદાજે ૨૦૦ કિ.મી.નું અંતર કાપીને પાકિસ્તાનમાં ૧૨૪ કિ.મી. અંદર જઈને પડી હતી.