ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગયા સપ્તાહથી જ બિગ બઝારને તેના હાથમાં લેવાની શરૂઆથ કરી દીધી છે. હવે કંપનીએ ફ્યુચર ગ્રુપની આ બ્રાન્ડનું નામ બદલવાની તૈયારી પણ કરી લીધી છે. આ માટે રિલાયન્સ રિટેલે એક નવી યોજના બનાવી છે. કંપની ફ્યુચર ગ્રુપ લોકેશન્સ પર નવી રિટેલ સ્ટોર બ્રાન્ડ ‘સ્માર્ટ બાઝાર’ લોન્ચ કરવાની છે. આ સ્ટોર્સમાં રિલાયન્સ રિટેલના સ્માર્ટ સુપર માર્કેટની સરખામણીએ જીવન જરૂરિયાતની વસ્તુઓ અને મીડિયમ રેન્જના ગાર્મેન્ટ પર વધુ ધ્યાન આપવામાં આવશે જેથી સ્ટોર સાથે ગ્રાહકોની કનેક્ટિવિટી વધે.
રિલાયન્સ રિટેલ તે દરેક જગ્યાએ નવા રિટેલ સ્ટોર ખોલવાના છે જ્યાં પહેલાં બિગ બજાર હતા. આ નવા સ્ટોરનું નામ સ્માર્ટ બાઝાર નક્કી કરવામાં આવ્યું છે. રિલાયન્સ રિટેલ મુકેશ અંહાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેલ સેક્ટરની કંપની છે. તે રિલાયન્સ ટ્રેન્ડ્ઝ, રિલાયન્સ ફ્રેશ, રિલાયન્સ ડિજિટલ જેવા રિટેલ સ્ટોર પહેલેથી ઓપરેટ કરે છે.
રિલાયન્સ રિટેલનું પ્લાનિંગ ૯૫૦ જગ્યાઓ પર તેમના પોતાના સ્ટોર ખોલવાનું છે. આ દરેક લોકેશન કંપનીએ ફ્યુચર ગ્રુપથી પોતાના નિયંત્રણમાં લીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમાંથી અંદાજે ૧૦૦ લોકેશન પર કંપની આ મહિને જ સ્માર્ટ બાઝાર નામથી સ્ટોર ખોલશે. જોકે આ વિશે હજી રિલાયન્સ રિટેલ અને ફ્યુચર ગ્રુપ તરફથી હજી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.