ડાંગ દરબાર-2022: લોકસંસ્કૃતિ ને ઉજાગર કરતા ડાંગ દરબાર નો આજથી થશે ભવ્ય પ્રારંભ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાંગના ઐતિહાસિક અને ભાતિગળ પરંપરાને ઉજાગર કરતા ‘ડાંગ દરબાર-2022’ નો આજથી ભવ્ય પ્રારંભ કરવામાં આવશે.

લોકસંસ્કૃતિ ઉજાગર કરતા ડાંગ દરબારમાં આજે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા ડાંગના પ્રભારી મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં રાજવીઓને સાલિયાણા અર્પણ કરવામાં આવશે. આ ઐતિહાસિક કાર્યક્રમ પૂર્વે જિલ્લા સેવા સદન ખાતેથી રાજવીઓની ભવ્ય શોભાયાત્રા પણ નિકળશે.

રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે આહવાના રંગ ઉપવન ખાતે બરાબર 11:00 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રભારી મંત્રી નરેશ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ અવસરે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, સાંસદ ડૉ.કે.સી.પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

ડાંગ દરબાર-૨૦૨૨ દરમિયાન ડાંગના કુલ પાંચ રાજવીઓને કુલ રૂ.4,91,160/- નુ સાલિયાણુ અર્પણ કરવા સાથે, 9 નાયકો અને 432 ભાઉબંધોને અંદાજિત કુલ રૂ.25,08,840/- વાર્ષિક પોલિટિકલ પેન્શન મળી, કુલ 30 લાખ જેટલુ સાલિયાણુ ચૂકવવામા આવશે. ડાંગ દરબારના ઐતિહાસિક પ્રસંગે રાજવીઓ તથા તેમના ભાઉબંધો અને નાયકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રતિકરૂપ સલિયાણુ અર્પણ કરવા સાથે, ડાંગની ભાતિગળ પરંપરા અનુસાર પાનબીડા, શાલ, અને સ્મૃતિભેટ અર્પણ કરીને, તેમનુ અદકેરૂ સન્માન પણ કરશે. જ્યારે રાજવીશ્રીઓ પણ ડાંગની પરંપરા અનુસાર મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનુ અદકેરૂ સન્માન કરશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *