ગુજરાતમાં ઉનાળો દિવસેને દિવસે કાળઝાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રવિ-સોમ માટે ‘ઓરેન્જ’ જ્યારે મંગળ-બુધ માટે ‘યલો’ એલર્ટ જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થઇ શકે છે. આગામી બે દિવસ જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે તેમાં કચ્છનો જ્યારે યલો એલર્ટ અપાઇ છે તેમાં ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટનો સમાવેશ થાય છે.
આજે અમદાવાદમાં 37.6 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો. આગામી બે દિવસમાં જ અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધી જાય તેની પૂરી સંભાવના છે.
આજે દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીથી વધુ રહ્યો હતો. રાજ્યમાં અન્યત્ર ભાવનગરમાં 36.3, વડોદરામાં 36.8, ગાંધીનગરમાં 37, ડીસા-પોરબંદરમાં 37.6, અમરેલીમાં 38, સુરત-દાદરા નગર હવેલીમાં 38.2, જુનાગઢમાં 38.5, કંડલા-નલિયામાં 38.6, રાજકોટ-ભૂજમાં 38.9 ડિગ્રીએ ગરમીનો પારો નોંધાયો હતો.