કાશ્મીરી પંડિતોની હિજરતના સૅન્સિટિવ સબ્જેક્ટ પર બનેલી આ ફિલ્મે ૩ દિવસમાં બજેટ કરતાં ૧૨૫% વધુ કલેક્શન કર્યું છે. બોલિવૂડની કદાચ આ પહેલી એવી ફિલ્મ છે, જેના બિઝનેસમાં ત્રણ દિવસમાં જ ૩૨૫%નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ૧૧ માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મની પહેલા દિવસની કમાણી ૩.૫ કરોડ હતી. બીજા દિવસે ૮.૫ તથા ત્રીજા દિવસે ૧૫.૧૦ની કમાણી કરી હતી.
પહેલા દિવસે ફિલ્મ ૬૦૦ સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી. રવિવાર, ૧૩ માર્ચે ફિલ્મ માટે દર્શકોની સંખ્યા વધતાં સ્ક્રીન ૬૦૦થી વધારીને ૨,૦૦૦ કરવામાં આવી છે. દરેક શહેરમાં ફિલ્મના શો ડબલથી વધારે કરી દેવામાં આવ્યા છે. ૧૨ કરોડના બજેટમાં બિગ સ્ટાર વગર બનેલી આ ફિલ્મે ત્રણ દિવસમાં ૨૭ કરોડથી વધુ કમાણી કરી છે.
વિવેક રંજન અગ્નિહોત્રીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની હિજરતની વાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અક્ષય કુમાર, કંગના રનૌત, ક્રિટિક્સ તથા દર્શકોએ આ ફિલ્મના વખાણ કર્યા છે. ફિલ્મ જોયા બાદ દર્શકો રડતા હોય તેવા વીડિયો વાઇરલ થયા છે. ટિકિટબારી પર દર્શકોની ભીડ જોવા મળે છે. સોસીયલ મીડિયામાં ફિલ્મનાં વખાણ થઈ રહ્યાં છે.
આ ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોષી, પુનીત ઈસ્સાર, મૃણાલ કુલકર્ણી સહિતના કલાકારો છે. ફિલ્મમાં ૯૦ના દાયકામાં કાશ્મીરી પંડિતોએ હિજરત કરી તેની વાત કરવામાં આવી છે. ફિલ્મને અભિષેક અગ્રવાલે પ્રોડ્યૂસ કરી છે.