અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આઇ ટી કંપની બનાવેલા ઇમરજન્સી સોફ્ટવેરને હેક કરીને તેને બીજા નામે ખુબ જ સસ્તામાં વેચાણ કરીને છેતરપિંડી કરતા કોલકત્તામાં રહેતા રહેલા સોફ્ટવેર એન્જીનીયરને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
કંપનીના સંચાલકોના જુના ગ્રાહકોને ઓનલાઇન સસ્તામાં સોફ્ટવેર ઓફર કરવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ઝડપાયેલા આરોપીએ અન્ય કંપનીઓના સોફ્ટવેર પણ હેક કર્યાની આશંકાને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના પ્રહલાદનગરમાં શ્રેય ગોહિલ સોફ્ટવેર કંપની ધરાવે છે. જેમાં તેમની કંપની દ્વારા ક્યુબજેક્સ નામનું સોફ્ટવેર ડેવેલોપ કરાયું હતું.
જેની તમામ પ્રકારની ઇમરજન્સી સર્વિસના પ્રોગ્રામ માટે કામ આવતું હોવાથી દેશ-વિદેશમાં તેનું નિયમિત વેચાણ કરતા હતા. જેમાં તેમણે ગ્રાહકોને સોફ્ટવેરનું રૂપિયા ચાર લાખનુ ક્વોટેશન આપતા કેટલાંક્ ગ્રાહકોએ તેમને કહ્યું હતું કે આ પ્રકારનું સોફ્ટવેર એક કંપની માત્ર ૧૫ થી ૨૦ હજાર રૂપિયામાં પુરૂ પાડે છે.
કંપનીના માલિકોને જાણ થતા ચોંકીયા હતા અને તેમણે ગુગલમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ત્રણ વિવિધ વેબસાઇટ પર તેમનું જ તૈયાર કરેલુ સોફ્ટવેર ખુબ સસ્તામાં ઓફર થતુ હતુ. એટલું જ નહી આ કંપનીઓએ અમદાવાદની કંપનીના જુના ગ્રાહકોની માહિતી મેળવીને સસ્તામાં સોફ્ટવર આપવાનું કહ્યું હતું.
અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ટેકનીકલ સર્વલન્સને આધારે તપાસ કરીને આદિત્ય સુંદરલાલ ભીમરાજકા ની પ્રસાદ એક્ઝોટીકા કેનાલ રોડ કોલકત્તા ખાતેથી ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી જપ્ત કરેલા કોમ્પ્યુટરમાં તપાસ કરતા સોફ્ટવેર ઓફર કરતી ત્રણ વેબસાઇટનું યુઝરનેમ અને પાસવર્ડ મળી આવ્યો હતો.
સાયબર ક્રાઇમના એસીપી જે એમ યાદવે જણાવ્યું કે આરાપી આદિત્ય ભીમરાજકાએ સોફ્ટવેર એન્જીનીયરીંગમાં ડીપ્લોમા કર્યુ છે અને તેણે ટેકનીકલી હોશિયાર હોવાથી ઓછી મહેનતે નાણાં કમાવવા માટે અમદાવાદની કંપનીનું સોફ્ટવેર હેક કર્યું હતુ. આ ઉપરાંત, તેણે અન્ય કંપનીઓના સોફ્ટવેર હેક કર્યાની આશંકા છે. જેને આધારે તેની પુછપરછ કરવામાં આવી રહી છે.