ગુજરાતમાં ૧ વર્ષમાં ૭,૬૭૩ મહિલા લાપતા, સૌથી વધુ કેશ અમદાવાદમાં

 ૨૦૨૦ના વર્ષમાં કોરોના સંક્રમણનો સમય હતો અને આ સમયમાં ગુજરાત રાજ્યમાંથી ૭,૬૭૩ જેટલી મહિલાઓ અલગ અલગ કારણોસર ગૂમ થઇ હોવાની ફરિયાદો પોલીસ ચોપડે નોંધવામાં આવી છે પરંતુ સરકારનો દાવો છે કે ગૂમ થયેલી આ મહિલાઓ પૈકી પોલીસે ૬,૫૨૮ મહિલાઓને શોધી કાઢી છે.

વિધાનસભામાં ગૂમ થયેલી મહિલા અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે ૨૦૨૦ના વર્ષમાં રાજ્યમાંથી જે મહિલાઓ ગૂમ થઇ છે તેમને શોધવાના પ્રયાસો પણ થયાં છે. અમદાવાદ શહેર એકમાત્ર એવું છે કે જ્યાંથી સૌથી વધુ ૧,૮૭૦ મહિલાઓ ગૂમ થઇ છે. બીજાક્રમે ૧,૨૧૬ મહિલાઓ સાથે સુરત શહેરનો ક્રમ આવે છે.

ગૃહમંત્રીએ આપેલા આંકડા પ્રમાણે રાજકોટ શહેરમાંથી ૩૯૦, વડોદરા શહેરમાંથી ૩૨૭ અને અમદાવાદ ગ્રામ્યમાંથી ૯૫ મહિલાઓ ગૂમ થઇ છે. ગાંધીનગરમાં આ આંકડો ૨૩૫નો છે. મહિલાઓ ગૂમ થવાની ઘટનાઓ તમામ જિલ્લામાં જોવા મળી છે. જો કે આદિવાસી વિસ્તારોમાં આંકડો નગણ્ય છે. રાજ્યમાં એક વર્ષમાં કુલ ૭,૬૩૭ મહિલાઓ ગૂમ થઇ છે તે જોતાં એવું કહી શકાય કે પ્રતિદિન ૨૧ મહિલાઓ ગૂમ થઇ છે.

ગૂમ થયેલી મહિલાઓ પૈકી રાજ્યના વિવિધ જિલ્લા અને શહેરોની પોલીસે કુલ ૬,૫૨૮ મહિલાઓને શોધી કાઢી છે. અમદાવાદમાં ૧,૬૭૪ મહિલાઓ પાછી આવી છે જ્યારે સુરતમાં ૮૯૯ મહિલાની ભાળ મળી છે. શહેર અને જિલ્લાઓમાં ગૂમ થયેલી મહિલાઓને શોધવા માટે પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવે છે. સમયાંતરે મિસીંગ ડ્રાઇવનું પણ આયોજન કરવામાં આવતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *