GST એ સાત દિવસ પૂર્વે પાડેલા દરોડામાં ગેરકાયદે રૃા. ૬૩.૮૦ કરોડની વેરાશાખ લેવા માટે અને બીજી રૃા. ૬૫.૬૮ કરોડની વેરાશાખ બીજા વેપારીઓને પાસ કરી દેવાના ગુનામાં સંડોવાયેલા અનંત અશોક શાહની ધરપકડ કરવામાં આવી છે. રૃા. ૧૨૯ કરોડની ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે ત્રણ જુદી જુદી કંપનીઓમાં મળીને રૃા. ૧૩૦૦ કરોડથી વધુના બોગસ બિલો બનાવ્યા હતા. આરોપી અનંત અશોક શાહને ૧૩મી માર્ચે ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેમને સાત દિવસ સુધી કસ્ટોડિયર ઇન્ટ્રોગેશન કરવાની છૂટ આપી છે.
આ કૌભાંડમાં મેસર્સ જે.કે. ટ્રેડર્સ, મેસર્સ રીવાન ક્રિયેશન અને મેસર્સ ગાયત્રી કોર્પોરેશનની સંડોવણી છે. અનંત અશોક શાહ આ કૌભાંડમાં સંડોવાયેલો છે. તેણે પોતાની ઓફિસમાંજ નોકરી કરતાં કર્મચારીઓના ઓળખના પુરાવાઓ લઈને તેમને ભાગીદાર બનાવીને બોગસ બિલિંગનું કૌભાંડ આચર્યું હોવાનું દરોડા પાડનારા અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું છે. ત્રણ બોગસ પેઢી ઊભી કરીને તેમાં બુલિયન, સ્ટીલ અને કેમિકલ તથા ઓઈલના સોદા કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આશ્રમ રોડ પર આવેલી મેસર્સ જે.કે. ટ્રેડર્સે પોતે રૃા. ૩૨.૮૮ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેઈમ કરી હતી. તેમ જ બીજી રૃા. ૩૨.૭ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ બીજા વેપારીઓને પાસ કરી દીધી હતી. આ જ રીતે અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી મેસર્સ રીવાન ક્રિયેશને રૃા. ૨૫.૪૭ કરોડની ઇન પુટ ટેક્સક્રેડિટ કોઈ વેપારીઓને પાસ કરી દીધી હતી. અમદાવાદ શહેરના રતનપોળ વિસ્તારમાં આવેલી મેસર્સ ગાયત્રી કોર્પોરેશને રૃા. ૫.૬૩ કરોડની ઇનપુટ ટેક્સક્રેડિટ અન્ય વેપારીઓને પાસ કરી દીધી હોવાનું અને પોતે રૃા. ૬.૦૫ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાનું બહાર આવ્યું છે. આ માટે જે.કે. ટ્રેડર્સમાંથી રૃા. ૨૪૬ કરોડના, રીવાન ક્રિયેશનમાંથી રૃા. ૯૫૬ કરોડના અને ગાયત્રી કોર્પોરેશનમાંથી રૃા. ૧૧૧ કરોડના બિલો ફાડવામાં આવ્યા હતા. આ વહેવારો કરવામાં બેન્કમાં કેટલાક પેમેન્ટ મેળવવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. આ વહેવારોમાંથી કમિશનની રકમ કાપી લઈને બાકીની રકમ પરત મેળવી લેવામાં આવી હોવાનું પણ તપાસમાં બહાર આવી ગયું છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કચેરીએ સાત દિવસ પૂર્વે પાડેલા દરોડા દરમિયાન હાથ લાગેલી વિગતો પરથી સ્પષ્ટ થયું હતું કે અનંત અશોક શાહે તેમની ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓને પ્રલોભન આપી તેમને નામે બનાવટી કંપનીઓ ઊભી કરી હતી. આ કંપનીઓમાં સ્ટાફના સભ્યોને ભાગીદાર પણ બનાવ્યા હતા. આશ્રમ રોડ પર આવેલી જે.કે.ટ્રેડર્સ નામની કંપની પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં હિસાબી સાહિત્ય, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઈસિજ, ડિજિટલ ડેટા સ્ટોરેજ ડીવાઈસીસ, ડેબિટ કાર્ડ્સ, ચેકબુક્સ, રબર સ્ટેમ્પ્સ જપ્ત કર્યા છે. આ કંપનીઓમાં રોકડના પણ મોટા વહેવારો થયા હોવાનું બહાર આવ્યું છે.