નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ ચીફ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે જણાવ્યું છે કે, તેમણે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના કહેવાથી આ પદ પરથી રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે, પંજાબમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીના કારણે કારમી હાર ભોગવવી પડી છે. પાર્ટીને માત્ર ૧૮ સીટ જ મળી શકી છે. જ્યારે સિદ્ધુ પોતે અમૃતસર પૂર્વ સીટ પરથી ચૂંટણી હાર્યા છે.
સિદ્ધુ પહેલાં ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ વિધાનસભા ચૂંટણીમાં મળેલી હારના કારણે નાતિક જવાબદારી સમજીને તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખીને તેમનું રાજીનામું સોંપ્યું છે અને મંગળવારે રાતે આ પત્ર ટ્વિટર પર શેર કર્યો હતો. સોનિયા ગાંધીના આ આદેશના થોડી વાર પછી જ ઉત્તરાખંડના કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ગણેશ ગોદિયાલે પણ તેમનું રાજીનામું આપી દીધું હતું.
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની માઠી હાર પછી કોંગ્રેસ નેતૃત્વે એક દિવસ પહેલાં ૧૫/૦૩/૨૦૨૨ના રોજ એક મોટી કાર્યાવહી કરીને પાંચેય ચૂંટણી રાજ્યોના પાર્ટી અધ્યક્ષને રાજીનામું આપવા કહ્યું હતું.