યુપી, પંજાબ સહિત ૫ રાજ્યોમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. CWCની બેઠક બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે કહ્યું કે કોંગ્રેસનું નેતૃત્વ ગાંધી પરિવારે છોડવું જોઈએ, જેથી અન્યને તક મળે. સિબ્બલે પાર્ટીમાં રાહુલની દખલગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં સિબ્બલે કહ્યું કે રાહુલ ગાંધી ડિફેક્ટો પ્રેસિડન્ટ રહી ચૂક્યા છે. તેમણે પંજાબમાં સીએમ બનાવવાનો નિર્ણય લીધો હતો. મને જણાવો કે તેમણે આ નિર્ણય કઈ ક્ષમતામાં લીધો? સિબ્બલે કહ્યું કે અમારી માગ છે કે ઘરની કોંગ્રેસને બદલે સૌની કોંગ્રેસ હોવી જોઈએ. હું મારા અંતિમ શ્વાસ સુધી આ માટે લડીશ.
બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સિબ્બલના નિવેદન પર પલટવાર કર્યો છે. ગેહલોતે કહ્યું કે સિબ્બલ કોંગ્રેસના કલ્ચરને જાણતા નથી. તેઓ પાર્ટીની ABCD જાણતા નથી. સિબ્બલ એક સારા વકીલ રહ્યા છે, સોનિયાજી અને રાહુલજીએ તેમને ઘણી તકો આપી છે.
પાર્ટીમાં હોબાળા વચ્ચે, કપિલ સિબ્બલે બુધવારે જી-૨૩ નેતાઓને તેમના નિવાસસ્થાને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે.
૫ રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ CWCની બેઠકમાં રાજીનામું આપવાની ઓફર કરી હતી. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે જો તમને લાગે છે કે ગાંધી પરિવારના કારણે કોંગ્રેસ નબળી પડી રહી છે તો હું, રાહુલ અને પ્રિયંકા કોઈપણ બલિદાન આપવા તૈયાર છીએ. જો કે, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા સહિત CWCના તમામ સભ્યોએ તેને એક અવાજે નકારી કાઢ્યું હતું.