પાવર બેંક કૌભાંડમાં સુરતની ટેક સોફ્ટવેર કંપની સામેલ

આઈટી કંપનીઓ દ્વારા આચરવામાં આવેલ રૂ. ૩૬૦ કરોડના પાવર બેન્ક એપ કૌભાંડમાં સંડોવાયેલી સુરતની ૩૬૦ ટેક સોફટવેર કંપનીના ડિરેક્ટરો વિરૂધ્ધ મંગળવારે રાત્રે ફરિયાદ દાખલ થઈ છે. ડીજીસીઓ ની સૂચનાથી અમદાવાદની નારણપુરા સ્થિત આરઓસી કચેરીના રજીસ્ટ્રારે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. કંપનીના બન્ને ડિરેક્ટરો સુરત ખાતેની ઓફિસ છોડી ફરાર થઈ ગયા છે.

સરકાર અને ગ્રાહકોને કરોડોનો ચૂનો લગાવનાર અન્ય આઈટી કંપની સાથે સાથે મળેલી ૩૬૦  ટેક સોફટવેર કપંનીની પેડ અપ કેપિટલ માત્ર રૂ.૧૦,૦૦૦ અને ૧,૦૦૦ ઈકવિટી રૂ.૧૦નો એક શેર એવા એક હજાર શેર હોવાની વિગતો મળી છે.

નારણપુરા અંકુર ચાર રસ્તા પાસે આવેલી આરઓસી કચેરીના રજીસ્ટાર અનુ વિવેકએ ૩૬૦ ટેક સોફ્ટવેરના ડિરેકટર મમતા વણઝારા અને વિજય છગન વણઝારા વિરૂધ્ધ આઈપીસીની કલમ ૪૨૦, ૧૧૪ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ની કલમ ૬૬ડી મુજબ ગુનો નોંધાવ્યો છે.

આરઓસીની તપાસમાં ખૂલેલી વિગતો મુજબ અન્ય કંપનીઓ દ્વારા આચરવામાં આવેલ કૌભાંડમાં સુરતના વેસુ રોડ પર સેન્ટ્રલ બજારમાં આવેલી આઇટી કંપની ટેક સોફટવેર પ્રાઇવેટ લિમિટેડ પણ ગુનામાં સામેલ છે. આ કંપની તેના ડાયરેક્ટરોએ અન્યના મેળાપીપણામાં પોતાના આથક ફાયદા સારૂં સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના બદઈરાદાથી પ્રસ્થાપિત કરી છે.

મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા કંપનીના ડિરેક્ટરો મમતા વણઝારા અને વિજય છગન વણઝારા વિરૂદ્ધ ધારા ૨૦૧૩ની કલમ  ૨૦૬-(૪) હેઠળ એક સ્વતંત્ર ઇન્કવાયરીની અલાયદી પ્રક્રિયા કરવામાં આવી છે. આ કંપનીની સ્થાપના ગત તા.૨૬/૦૩/૨૦૨૧ના રોજ થઈ છે.

કંપનીની સ્થાપનાના દસ્તાવેજો સિવાય અન્ય કોઈ દસ્તાવેજ આરઓસી પાસે ઉપલબ્ધ નથી. આ કંપનીએ ધંધો શરૂ કરવા માટે કલમ ૧૦(એ) ૨૦૧૩ ધારા પ્રમાણેનું ફોર્મ જમા કરાવવું પડે તે પણ જમા કર્યું નથી. પાવર બેન્ક એપ થકી કંપનીએ રૂ.૩૬૦ કરોડની રકમ લોકોને લોભામણી લાલચ આપીને ગેરકાયદેસર રીતે સ્વીકારી છેતરપિંડી આચરી સરકાર સાથે પણ ઠગાઈ આચરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *