સોમવારે રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, યુક્રેન અને રશિયાના હુમલા પર ભારતની સ્થિતિ થોડી અસ્થિર છે. તે જ સમયે, બાઈડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે સંયુક્ત મોરચા માટે નાટો, યુરોપિયન સંઘ અને મુખ્ય એશિયન ભાગીદારો સહિત યુએસના નેતૃત્વ હેઠળના ગઠબંધનની પ્રશંસા કરી અને કહ્યું કે, નાટો આજના જેટલું શક્તિશાળી અને સંયુક્ત ક્યારેય નહોતું.
જાપાન અને ઓસ્ટ્રેલિયા ક્વાડમાં વ્લાદિમીર પુતિનના આક્રમક વલણ સામે ખૂબ જ કડક છે. ભારત આમાં અપવાદ છે, જેનું આ મામલે વલણ થોડું ઢીલું રહ્યું છે. અમેરિકાના વ્યાપારી નેતાઓની બેઠકને સંબોધતા બાયડેને કહ્યું કે, રશિયા સામે ભારતનું વલણ ડગમગી રહ્યું છે.
યુક્રેન પર હુમલો કર્યા બાદ અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ ઘણા કડક પગલાં લીધા છે અને રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. તમામ મોટી કંપનીઓએ રશિયામાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. યુએનમાં પણ આ દેશોએ રશિયાને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને તેની વિરૂદ્ધ મતદાન પણ કર્યું હતું, પરંતુ ભારતે આ મામલે તટસ્થતાની નીતિ અપનાવી છે.