અલ્પેશ ઠાકોર: રાજકીય લોકો ઠાકોર સમાજના યુવાનોનો ઉપયોગ ન કરે

ભાજપ નેતા અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર આજે બનાસકાંઠાના પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સામે ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. આ સમયે તેમણે કોતરવાડા પાસે થયેલી જનતા રેડના મુદ્દે આડકતરી રીતે કૉંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે રાજકીય લોકો ઠાકોર સમાજના યુવાનોનો ઉપયોગ ન કરે.

અલ્પેશ ઠાકોરે પાલનપુરમાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સામે ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. જ્યાં તેમણે નામ લીધા વગર કૉંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર શાબ્દિક પ્રહાર કર્યા. હુંકાર કરતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, પોતાની મહત્વકાંક્ષા સંતોષવા અને રાજકીય લાભ ખાટવા અન્ય નેતાઓ ઠાકોર સમાજના યુવાનોને હાથો ન બનાવે. તેમણે કહ્યું કે વિનુ સિંધી હોય કે કોઈપણ અન્ય બુટલેગર ગુજરાતમાં દારૂ ઘુસાડી શકશે નહીં. દારૂબંધી માટે ઠાકોર સેનાની સામાજીક મુહિમ ચાલુ રહેશે.

થોડા દિવસ અગાઉ રાત્રે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમાજના યુવાનોને સાથે રાખી બુટલેગરને ત્યાં જનતા રેડ કરી હતી. જનતા રેડ બાદ પોલીસે બુટલેગર અને ઠાકોર સમાજના બે યુવાન વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેને લઈ અલ્પેશ ઠાકોરે જિલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક કરી. રાજકીય લોકો ભરમાઈને સમાજના યુવાનોને જનતા રેડમાં લઈ ગયા હોવાના આક્ષેપ સાથે અલ્પેશ ઠાકોરે પોલીસને નિષ્પક્ષ તપાસ માટે રજૂઆત કરી. પોલીસે પણ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી હતી. સાથે જ દારૂબંધી માટે ઠાકોર સેનાની સામાજીક મુહિમ ચાલુ રાખવાનો પણ હુંકાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *