ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી ૨૪ અને ૨૫ માર્ચના બે દિવસો દરમ્યાન જામનગરની મુલાકાતે

જામનગર જિલ્લાનું વહિવટી તેત્ર તથા પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયા છે અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્કવોર્ડ સહિતની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ તંત્ર ઉપરાંત જામનગર મહાનગર પાલિકાનું તંત્ર અને જિલ્લાનું વહીવટી તંત્ર પણ તડામાર તૈયારીઓમાં જોડાયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારકા દર્શનનો કાર્યક્રમ અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાફલો એરપોર્ટથી સીધા જામનગરના સર્કીટ હાઉસ તરફ આવવાનો હોઇ તે માર્ગ પર મહાનગરપાલિકા દ્વારા અનેક નાના મોટા હોડગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. સાથોસાથ માર્ગ પરથી રેકડી- કેબીનો અને માર્ગ પર પડયા રહેલા વાહનો વગેરેને ખસેડી લેવામાં આવ્યા છે. ઉપરાંત આ માર્ગ પર સ્પીડ બ્રેકર પણ દૂર કરી દેવામાં આવ્યા છે.

જામનગરમાં સમગ્ર માર્ગ પરની સાફ સફાઈની કાર્યવાહી પણ ચલાવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૪મી ના રાત્રી રોકાણ પછી બીજા દિવસે એટલે કે ૨૫મી તારીખે વાલસુરાના પ્રેસિડેન્ટ કલર એવોર્ડમાં ઉપસ્થિત રહેશે અને ૮૦ વર્ષની ઉત્તમ સેવા બદલ ભારતના પ્રમુખ  નૌસેના સંસ્થાન આઈ.એન. એસ.  વાલસુરાને પ્રેસિડેન્ટ કલર એવોર્ડ એનાયત કરશે. તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ નેવલ સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર સહિતના મહાનુભાવો પણ જોડાશે.જ્યારે એવોર્ડ કાર્યક્રમ અંતર્ગત ૧૫૦ નેવીના જવાનો પરેડ કરીને રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપશે.

ઇન્ડિયન  નેવીને વર્ષ ૧૯૫૧માં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ નિશાન એવોર્ડ મળ્યો હતો. જામનગર શહેરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમનને લઈને મહાનગરપાલિકાનું તંત્ર દોડધામ કરી રહ્યું છે. આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાફલો પસાર થવાનો છે તે રોડ પર બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડની મદદથી બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તેમજ સ્નિફર ડોગની પણ મદદ લેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *