જામનગર મહાપાલિકાના વિરોધપક્ષના ઉપનેતા અને બસપાના વિપક્ષી કોર્પોરેટર ફુરકાન શેખને તા : ૨૨/૦૩/૨૦૨૨ કાલે બપોરે જામનગરના એક બિલ્ડર પાસેથી રૂપિયા દોઢ લાખની લાંચની માંગણી કર્યા પછી વચેટિયા મારફતે રૂપિયા દોઢ લાખની લાંચ લેતા જામનગર એસીબી શાખાની ટિમના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા છે. એસીબીની ટીમે કોર્પોરેટર તેમજ તેના વતી લાંચની રકમ સ્વીકારનાર વચેટિયાને રંગેહાથ ઝડપી લીધા છે, અને આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા અને વોર્ડ નંબર-૬ના બસપાના કોર્પોરેટર ફુરકાન શેખ કે જેઓ કાલે પોતાના જન્મદિવસે જ જામનગર એ.સી.બી. દ્વારા ગોઠવાયેલા લાંચના છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા. તેઓ પોતાના વચેટિયા અખિલેશ ચૌહાણ મારફતે નાણાં સ્વીકારતા ઝડપી લેવાયા છે, અને બંને સામે લાંચરૂશ્વત ધારા અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જામનગર ગોકુલ નગર વિસ્તારમાં એક બિલ્ડર દ્વારા બિલ્ડીંગ ઉભું કરાયું હતું, જે બિલ્ડીંગમાં ગેરકાયદે બાંધકામ છે, અને તેને હું તોડાવી નખાવીશ તેવી ચિમકી આપીને કોર્પોરેટર ફુરકાન શેખ દ્વારા લાંચની માગણી કરવામાં આવી હતી, અને દોઢ લાખ રૂપિયા માં પતાવટ કરવા નક્કી કરાયું હતું. જાગૃત બિલ્ડર કે જેઓ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ જામનગરની લાંચરૂશ્વત શાખાનો સંપર્ક સાધ્યો હતો. જેથી એસીબીની ટીમ દ્વારા કાલે બપોરે મહાનગર પાલિકાની કચેરીના પટાંગણમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
એસીબીની ટીમ દ્વારા રૂપિયા દોઢ લાખની પાવડર વાળી રોકડ રકમ બિલ્ડરને આપવામાં આવી હતી, અને તે રકમ સ્વીકારવા માટે કોર્પોરેટર ફુરકાન શેખને જાણ કરવામાં આવી હતી. જેથી પોતે જ મહાપાલિકાના પાટણમાં હાજર રહીને પોતાના વતી વચેટિયા એવા અખિલેશ ચૌહાણને લાંચની રકમ સ્વીકારવા માટે મોકલ્યો હતો. તે દરમિયાન એસીબીની ટીમ ત્રાટકી હતી, અને સૌ પ્રથમ વચેટીયાને રોકડ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો, જયારે પટાંગણમાં વોચ રાખીને ઊભા રહેલા કોર્પોરેટરની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. જે બંનેને જામનગરની એસીબી કચેરીએ લઇ જઇ ત્યાં બંને સામે આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
એસીબીની આ કાર્યવાહીને લઇને જામનગર મહાનગરપાલિકાના વર્તુળમાં ભારે સોપો પડી ગયો છે. કોર્પોરેટર ફુરકાન શેખનો કાલે ૨૨/૦૩/૨૦૨૨ જન્મદિવસ હતો.જે જન્મદિવસની ઉજવણી બાકી હતી, તે પહેલાં જ એસીબીએ સફળ ટ્રેપ કરી હતી.જેથી જન્મદિવસ પોલીસ સ્ટેશનમાં મનાવવાનો વારો આવ્યો છે.