તેલંગાણાના હૈદરાબાદ ખાતે બુધવારે ભારે મોટી આગ હોનારતની ઘટના બની છે. હૈદરાબાદના બાયોગુડા ખાતે લાકડાના એક ગોદામમાં આગ લાગવાના કારણે ૧૦ થી વધુ લોકોના સળગી જવાથી મોત થયા છે. આ ઉપરાંત અનેક લોકો આગની ઝાળ લાગવાના કારણે દાઝી ગયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, જંક વેરહાઉસના પહેલા માળે ૧૨ મજૂરો સૂતા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક આગ ફાટી નીકળી હતી. કામદારો માટે બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી જંક શોપમાંથી પસાર થતો હતો જેના શટર બંધ હતા.અત્યાર સુધીમાં ૧૦ થી વધુ લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક મજૂર જે ભાગવામાં સફળ રહ્યો હતો તેને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફાયર કંટ્રોલ રૂમને સવારે ૩ વાગ્યાની આસપાસ એલર્ટ મળ્યો હતો અને નવ ફાયર ટેન્ડરોએ આગને કાબૂમાં લેવા માટે જહેમત શરૂ કરી હતી.
ગોડાઉનમાં ફાઈબર કેબલમાં આગ લાગી હતી જેના કારણે ગાઢ ધુમાડો ફેલાઈ ગયો હતો અને આગની તીવ્રતા વધુ વધી હતી. ગોડાઉનમાં દારૂની ખાલી બોટલો, કાગળ, પ્લાસ્ટિક અને અન્ય કેબલ પણ રાખવામાં આવ્યા હતા. પહેલા માળે બે રૂમ હતા અને એક રૂમમાંથી તમામ ૧૦ થી વધુ લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. જો કે મૃતદેહોને હજુ સુધી ઓળખી શકાયા નથી.