ભારતીય શેરબજારનો કારોબાર લાલ નિશાન નીચે નજરે પડી રહ્યો છે. આજે સેન્સેક્સ ૫૭,૧૯૦.૦૫ ઉપર ખુલ્યો હતો. ગઈકાલે કારોબાર દરમ્યાન ઇંડેક્સ ૩૦૪ પોઈન્ટ ઘટીને ૫૭,૬૮૪ પર બંધ થયો હતો. નિફટીની વાત કરીએ તો બુધવારે નિફ્ટી ૬૯ પોઈન્ટ ઘટીને ૧૭,૨૪૫ પર બંધ રહ્યો હતો. આજે તે ઘટાડા સાથે ૧૭,૦૯૪.૯૫ ઉપર ખુલ્યો હતો.
ક્રૂડ ઓઈલની કિંમતોમાં આવેલા ઉછાળાના કારણે વૈશ્વિક બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ ૫૭,૧૩૮.૫૧ સુધી નીચલા સ્તરે જોવા મળ્યો હતો.
ક્રૂડ ઓઈલમાં વધારાને કારણે વૈશ્વિક બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ ૧૨૩ ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયો છે જ્યારે યુએસ માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ ડાઉ જોન્સમાં ૪૫૦ પોઈન્ટ એટલે કે ૧.૨૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને ઈન્ડેક્સ દિવસના નીચલા સ્તરે બંધ થયો હતો. આ સિવાય નાસ્ડેકમાં પણ ૨૦૦ પોઈન્ટ એટલે કે ૧.૩૨ ટકાનો ઘટાડો નોંધાયો છે અને આ ઈન્ડેક્સ ૧૩,૯૨૨ના સ્તરે બંધ થઈ ગયો છે.
રશિયા અને કઝાકિસ્તાન વચ્ચેની પાઈપલાઈનમાં થયેલા નુકસાનને કારણે બ્રેન્ટની કિંમતમાં વધારો થયો છે. વાવાઝોડાને કારણે પાઈપલાઈનમાંથી પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ સિવાય એશિયન બજારોની વાત કરીએ તો અહીં પણ વેચવાલી જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી ૧૦૨ પોઈન્ટના ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.