અંબાજી ગબ્બર ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવના આયોજન અંગે પાલનપુર ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા. ૮, ૯ અને ૧૦ એપ્રિલના રોજ શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ યોજાશે. અંબાજી ગબ્બર તળેટી ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવના આયોજન અંગે પાલનપુર કલેકટર કચેરી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે હતું કે યાત્રાધામ અંબાજી ખાતે દેશ અને વિદેશમાં અલગ અલગ જગ્યાએ આવેલા માતાજીના ૫૧ શક્તિપીઠોના નિર્માણનું કામ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યું હતું. દેશ અને વિદેશોમાં શ્રીલંકા, બાંગલાદેશ, નેપાળ, પાકિસ્તાન વગેરે દેશોમાં આવેલા માતાજીના શક્તિપીઠો પ્રમાણે આબેહુબ ૫૧ શક્તિપીઠોનું નિર્માણ અંબાજીમાં કરવામાં આવેલું છે. મનુષ્યશના એક જ જન્મમાં દેશ અને વિદેશોમાં આવેલા આ શક્તિપીઠોમાં જઇ માતાજીના દર્શન કરવા એ દરેક મનુષ્ય માટે સંભવ નથી, તેથી મૂળ સ્થાનક જેવા જ ૫૧ શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે.
જેથી જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શનથી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.