ગાંધીનગરમાં વધુ એક બોગસ ડિગ્રીકાંડ ઝડપાયું છે. જે નકલી ડીગ્રી સર્ટિફિકેટ વેચવાના રાજ્ય વ્યાપી કૌભાંડનો ગાંધીનગર પોલીસે પર્દાફાશ કર્યો. મહત્વનું છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી પોલીસે અલગ અલગ યુનિવર્સિટીની ૫૦ થી વધુ ડીગ્રીઓ સાથે એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસાઓ સામે આવ્યા છે.
ગાંધીનગર પોલીસે બે આરોપીઓ વંદના શ્યામલકેતુ બરૂઆ અને વિપુલ પટેલની ધરપકડ કરી છે. આ આરોપીઓ નકલી ડીગ્રીઓ બનાવીને વિદ્યાર્થીઓને લાખો રૂપિયામાં વેચવા હતા.ગાંધીનગર સેક્ટર ૨૧ પોલીસને બાતમી મળી હતી કે વિસ્તારમાં આવેલા સુરભી કોમ્પલેક્ષમાં આવેલી બરૂઆ ટ્યુટોરીયલ નામની ઓફિસમાં અલગ અલગ યુનિવર્સિટીની ડિગ્રીઓ પૈસા લઈને વેચવાનું કૌભાંડ ચાલે છે.
પોલીસે બરૂઆ ટ્યુટોરીયલ પર રેડ કરીને તપાસ કરતા ત્યાંથી અલગ અલગ યુનિવર્સિટીના જુદા જુદા નામ વાળા બોગ્સ ડિગ્રી સર્ટીફિકેટ તેમજ માઇગ્રેશન સર્ટી અને માર્કશીટો મળી આવી હતી. પોલીસે બરૂઆ ટ્યુટોરીયલ ચલાવતી સંચાલક મહિલા વંદના બરૂઆની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા વધુ એક આરોપીનું નામ ખૂલ્યું હતું.
મહિલા આરોપીની પૂછ પરછ કરતાં સામે આવ્યું હતું કે તેની પાસે ટ્યુશન કલાસીસ ચલાવતો વિપુલ પટેલ અલગ અલગ જગ્યાએથી ગ્રાહકો શોધીને લાવતો હતો અને તે ગ્રાહકોને જે યુનિવર્સિટીના સર્ટિફિકેટ કે ડિગ્રીની જરૂર હોય તેઓની પાસેથી ૫૦ હજારથી લાખો રૂપિયા સુધીની રકમ વસૂલી અને બોગસ સર્ટિફિકેટ બનાવી આપ્યો હતો.