ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વધુ નવી ૧૧ ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવામા આવી છે.આવતીકાલે વિધાનસભા સત્રમાં ખાનગી યુનિવર્સિટી એક્ટ ૨૦૦૯ સુધારા વિધેયક પસાર કરવામા આવશે અને જે સાથે વિધિવત રીતે આ યુનિ.ઓને મંજૂરી મળશે. આ નવી ૧૧ ખાનગી યુનિ.ઓને મંજૂરી મળતા હવે રાજ્યમાં કુલ યુનિ.ઓની સંખ્યા ૯૪ થઈ જવા પામી છે.
ગુજરાત સરકારે ૨૦૦૯માં વિધાનસભામાં પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ પસાર કર્યા બાદ સમયાંતરે સુધારા વિધેયકો સાથે રાજ્યમાં નવી નવી ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી આપવામા આવે છે.ત્રણ વર્ષ બાદ રાજ્યમાં એક સાથે નવી ૧૧ ખાનગી યુનિવર્સિટીને મંજૂરી અપાઈ છે.આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.રાજ્યમાં અત્યાર સુધી સરકારી યુનિવર્સિટીઓ, ફિલ્ડ યુનિવર્સિટીઓ ઉપરાંત ખાનગી-ડિમ્ડ યુનિવર્સિટીઓ સાથે ૮૩ જેટલી યુનિવર્સિટીઓ છે.આ નવી ૧૧ ખાનગી યુનિવર્સિટીઓ સાથે હવે રાજ્યમાં ૯૪ યુનિ.ઓ થઈ ગઈ છે.ગુજરાત સરકાર દ્વારા આવતીકાલે વિધાનસભામાં ખાનગી યુનિ.એક્ટ સુધારા વિધેયક પસાર કરવામા આવશે.
અગાઉ સરકારે ખાનગી યુનિવર્સિટી એક્ટમાંથી ખાનગી યુનિવર્સિટીઓમાં ટ્રસ્ટની અન્ય ગ્રાન્ટેડ કોલેજોને જોડાવાની મંજૂરી આપતી જોગવાઈ વિરોધને પગલે રદ કરી દીધી છે.
આ ખાનગી યુનિ.ને મંજૂરી મળી
-ગાંધીનગર યુનિ.-ગાંધીનગર
-સુભાષ યુનિ.-જુનાગઢ
-ટ્રાન્સસ્ટેડિયા યુનિ.-અમદાવાદ
-એમ.કે.યુનિ.- સુરત
-વિદ્યાદીપ યુનિ.-સુરત
-સ્કિપ્સ યુનિ.-અમદાવાદ
-મગનભાઈ અદેનવાલા મહાગુજરાત યુનિ.-નડિયાદ
-સ્વામિનારાયણ યુનિ.-અમદાવાદ
-અદાણી યુનિવર્સિટી-ગાંધીનગર
-લોકભારતી યુનિ.-ભાવનગર
-નોબેલ યુનિવર્સિટી -જુનાગઢ