પહેલાં ચોરો ગમે તે કરી શકતા હતા અને હવે આજકાલ નવા જમાનામાં નવા ડિજિટલ ચોર એટલેકે હેકર્સ કંઈપણ કરી શકે છે. ક્રિપ્ટો સાથે જોડાયેલો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
હેકર્સે ૬૦૦ મિલિયન ડોલર એટલેકે અંદાજે ૪,૬૦૦ કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી છે. હેકર્સે ઓનલાઈન ગેમ એક્સી ઈન્ફિનિટી સાથે જોડાયેલા બ્લોકચેન નેટવર્કની ચોરી કરી હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો ક્રિપ્ટો હુમલો છે. એક્સી ઇન્ફિનિટી અને એક્સી ડીએઓ દ્વારા સંચાલિત કોમ્યુટર્સ જેને નોડ્સ તરીકે પણ ઓળખાય છે અને એક સોફ્ટવેર કે જે લોકોને ટોકન્સની આપલે કરવાની મંજૂરી આપે તેવા કહેવાતા બ્રિજ પર સાયબર હુમલો કર્યો હતો. આ બ્રિજને રોનિન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. હેકર્સે કુલ ૨ ટ્રાન્ઝેક્શનમાં આ રોનિન બ્રિજમાંથી ૧,૭૩,૬૦૦ ઈથર અને ૨૫.૫ મિલિયન યુએસડીએસ ટોકન્સ ચોર્યા હતા. આ હુમલો અથવા કહો કે ચોરી ૨૩/૦૩/૨૦૨૨ થઈ હતી, પરંતુ તે ગઈકાલે શોધી શકાઈ હતી.
ક્રિપ્ટોકરન્સીની આપ લે માટેના આ પ્રકારના બ્રિજ સૌથી સુરક્ષિત હોવાનું મનાય છે પરંતુ આ ક્રિપ્ટો ચોરીએ તેની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કર્યા છે. આ હુમલાએ સાબિત કર્યું કે આ બ્રિજ સુરક્ષિત નથી. ઘણા કમ્પ્યુટર કોડ્સનું ઓડિટ કરવામાં આવતું નથી, જેનાથી હેકર નબળાઈઓનો દુરૂપયોગ કરી શકે છે. તેમને કોણ અને કેવી રીતે ચલાવે છે તે ઘણીવાર સ્પષ્ટ હોતું નથી. બ્રિજ પર ટ્રાન્ઝેક્શનના ઓર્ડર કરનારાઓ જેને વેલિડેટર કહેવાય છે તેની ઓળખ મુશ્કેલ અને એક રહસ્યમય છે. ક્રિપ્ટો વિશ્વમાં હજારો બ્રિજ છે, જ્યાં કરોડો ડોલરની કિંમતની ક્રિપ્ટોનો વ્યવહાર થાય છે.