ગુજરાત વિધાનસભા સત્રમાં પેટ્રોલ ડીઝલ ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ ધારાસભ્યોનો હોબાળો

રાજ્ય સરકારને રાસાયણિક ખાતર, પેટ્રોલ, ડિઝલ, સિએનજી અને પિએનજી પર ટેક્સથી મોટી આવક થઈ છે. છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને ટેક્સથી ૩૪,૦૯૪.૨૨ કરોડની આવક થઈ છે. ટેક્સ પેટે વર્ષ ૨૦૨૦માં ૧૩,૬૯૧.૮૫ કરોડ તો ૨૦૨૧ મા ૨૦,૪૦૨ કરોડની આવક થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામા આવેલા પ્રશ્ન પર સરકારે આ જવાબ આપ્યો હતો.

વિધાનસભા ગૃહમાં નાણા મંત્રી કનુ દેસાઈએ જાહેરાત કરી કે પાર તાપી રીવર લિંક યોજનાનું અમલીકરણ નહી થાય. ગુજરાત વિનિયોગ વિધેયક રજૂ કરતા તેમણે આ જાહેરાત કરી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે ગોપાલ સમાજને ભાજપ સરકાર અન્યાય કરતી હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે લોન આપવાની કે સહાયની વાત આવે ત્યારે માલધારી સમાજથી સરકાર મોં ફેરવી લે છે. ગોપાલક અને માલધારી સમાજ માટે સરકાર વાતો તો સારી કરે છે પણ સરકારે માત્ર ૨ કરોડની લોન આપી, પરંતુ સહાય એકપણ રૂપિયો ના આપ્યો. રખડતા ઢોર અંગેનો સરકાર જે કાયદો લાવવા જઈ રહી છે તેનું નામ લીધા વીના તેમણે એમ પણ કહ્યું કે પશુપાલકો અને ગોપાલકો માટે સરકાર કાલે કાળો કાયદો લાવી રહી છે.

પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ સાઇકલ લઇને વિધાનસભામાં પ્રવેશ કરશે તેવી ચર્ચા વચ્ચે આજનું વિધાનસભા સત્ર શરૂ થયું હતું. આજે પણ કોંગ્રેસ આક્રમક વલણ અપનાવે તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *