કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ હવે ૩૧ ટકાથી વધીને ૩૪ ટકા થઈ ગયો છે. આ વધારો પાછલી અસર એટલે કે, ૦૧/૦૧/૨૦૨૨થી અમલમાં આવશે. તેનાથી લગભગ ૪૭.૬૮ લાખ કર્મચારીઓ અને ૬૮.૬૨ લાખ પેન્શનધારકોને ફાયદો થશે. સરકારના આ નિર્ણયથી, સરકારી તિજોરી પર દર વર્ષે ૯૫૪૪.૫૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓનો ડીએ વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈ વચ્ચે અપડેટ કરવામાં આવે છે. ડીએ ની ગણતરી મોંઘવારી ભથ્થાના વર્તમાન દરને મૂળ પગાર સાથે ગુણાકાર કરીને કરવામાં આવે છે. ડીએ, સરકારી કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવે છે. તે કર્મચારીઓને તેમના જીવન ખર્ચમાં મદદ કરવા માટે આપવામાં આવે છે.
ડીએમાં વધારા સાથે ૧૮,૦૦૦ રૂપિયાના મૂળ પગાર પર મોંઘવારી ભથ્થું હવે ૬,૧૨૦ રૂપિયા થઈ જશે. એ જ રીતે, મહત્તમ પગાર સ્લેબ ધરાવતા કર્મચારીઓનું ડીએ વધીને ૧૯,૩૪૬ રૂપિયા પ્રતિ માસ થશે. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને ૧૮ મહિના એટલે કે ૦૧/૦૧/૨૦૨૨થી ૩૦ જૂન, ૨૦૨૧ વચ્ચે ડીએ ચૂકવ્યો નથી. કર્મચારીઓ લાંબા સમયથી તેની ચૂકવણીની માંગ કરી રહ્યા છે.