ઉત્તર પ્રદેશમાં ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાનું પેપર લીક થઇ ગયું હતું, જેને પગલે અંગ્રેજી વિષયની પરીક્ષા જ રદ કરી દેવી પડી હતી. આશરે ૨૪ જિલ્લાઓમાં રાજ્ય સરકારે પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવો પડયો છે. જોકે પરીક્ષા બપોરે બે વાગ્યે શરૂ થાય તેના થોડા કલાક પહેલા જ તેને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પેપર લીક થવા પાછળ જે પણ લોકો જવાબદાર હોય તેમની સામે નેશનલ સિક્યોરિટી એક્ટ લગાવવાનો આદેશ અધિકારીઓને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યો હતો. સાથે જ ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સને તપાસના આદેશ આપ્યા છે. યોગીએ આ સાથે જ બલિયાના સ્કૂલ્સના ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે પોલીસ દ્વારા ૧૧ લોકોની અટકાયત કરવામાં આવી છે.
રાજ્યના મંત્રી ગુલાબ દેવીએ જણાવ્યું હતું કે પેપર લીક થયાની જાણ થયા બાદ તુરંત જ ૨૪ જિલ્લાઓમાં ધોરણ ૧૨ની અંગ્રેજી વિષયની પરીક્ષાને રદ કરી દેવામાં આવી હતી. બુધવારે બપોરે ૨ વાગ્યે પેપર શરૂ થવાના હતા. જોકે તેના ઘણા સમય પહેલા જ સરકારને પેપર લીક થયાની જાણ થઇ ગઇ હોવાથી આ પગલુ ભરવામાં આવ્યું છે.
ધોરણ ૧૨ના અંગ્રેજી વિષયની પરીક્ષા રદ કરવામાં આવી છે. જિલ્લાઓમાં : આગરા, સિતાપુર, આઝમગઢ, બલિયા, વારાણસી, ગોરખપુર, ગોંડાનો પણ સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં હવે ફરી પરીક્ષા લેવામાં આવશે. સપાના નેતા અખિલેશ યાદવે કહ્યું હતું કે ભાજપના બીજા કાર્યકાળમાં પણ પેપર લીક કરવાનો બિઝનેસ ચાલી રહ્યો છે. સરકાર કોઇ પરીક્ષા લેવા જ નથી માગતી કેમ કે પરીક્ષા પાસ થયા બાદ યુવાઓને સરકારે નોકરી પણ આપવી પડશે જે યોગી આદિત્યનાથની સરકાર નથી ઇચ્છતી.