ગુજરાત સરકારનું દેવું પ વર્ષમાં રૂ૧.૧૪ લાખ કરોડનો વધારો થયો છે.

ગુજરાત સરકારના દેવામાં પ વર્ષમાં રૂ ૧.૧૪ લાખ કરોડનો વધારો થયો છે. દેશની માથાદીઠ આવકની રૂ૧,૪૫,૬૮૦ની આવક સામે ગુજરાતની માથાદીઠ આવક રૂ ૨,૩૫,૯૬૯ હોવાનો ગર્વ લેતી ગુજરાત સરકારનું માથાદીઠ દેવું પણ ખાસ્સું ઊંચું છે. ૨૦૧૬ અને ૨૦૧૭ના નાણાંકીય વર્ષમાં ગુજરાતની બાકી જવાબદારીઓ રૂ ૨,૪૩,૧૪૬ કરકોડની હતી.

૨૦૨૦ અને ૨૦૨૧ના વર્ષમાં બાકી જવાબદારીઓ વધીને રૂ ૩,૫૭,૮૯૩ કરોડની થઈ ગઈ હોવાનું આજે ગુજરાત વિધાનસભામાં મૂકવામાં આવેલા કોમ્પ્ટ્રોલરએન્ડ ઑડિટર જનરનલના માર્ચ ૨૦૨૧ના પૂરા થયેલા નાણાંકીય વર્ષના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ૨૦૨૦ અને ૨૦૨૧ના વર્ષમાં જ આગળના વર્ષની તુલનાએ ગુજરાતના દેવામાં ૧૩.૪૫ %નો વધારો થયો હોવાનું કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

ઑડિટ તપાસમાં બહાર આવ્યું છે કે નાણાંકીય પરિસ્થિતિનું સારૂ ચિત્ર ઉપસાવવા માટે ગુજરાત સરકાર મહેસૂલી ખર્ચને સરકારે મૂડી ખર્ચ તરીકે પણ દર્શાવ્યો છે. કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મહેસૂલી ખર્ચને મૂડી ખર્ચ તરીકે દર્શાવવાને પરિણામે અંદાજપત્રની બહારના વહેવારો પર અને ખાધના આંકડાઓ પર ખોટી અસર દેખાય છે.

સરકારે નાણાંકીય જવાબદારી અદા કરવામાં વિલંબ કર્યો હોવાથી, સેસ રોયલ્ટીની રકમ સંચિત નિધિમાં જમા ન કરાવીને મહેસૂલી ખાધ અને રાજકોષિય ખાધના આંકડાઓ પર ખોટી અસર આવે તેવો વહેવાર કર્યો છે. આ આંકડાઓને ઉલટાવી દેવામાં આવે તો જ ખાધના સાચા આંકડાઓ બહાર આવી શકે છે.

ગુજરાત સરકારના કુલ દેવામાં રૂ ૨,૯૦,૦૩૧ કરોડના આંતરિક દેવા ઉપરાંત રૂ ૪૯,૮૬૩ કરોડની જાહેર હિસાબની જવાબદારીઓ અને ભારત સરકાર તરફથી લોન અને પેશગીઓ તરીકે આપવામાં આવેલા રૂ ૧૭,૯૯૯ કરોડનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની કુલ ઉપજના ૨૦.૮૩ % જેટલી બાકી જવાબાદીરઓ છે.

૨૦૧૬ અને ૨૦૧૭ના વર્ષમાં આ બાકી જવાબદારી ૨૦.૮૩ % જેટલી હતી તે ૨૦૨૦ અને ૨૦૨૧માં વધીને ૨૧.૦૨ % થઈ ગઈ છે. ૨૦૨૦ અને ૨૦૨૧ના અંતે રૂ ૭૮૯ કરોડની પુરાંત રહેવાના અંદાજ સામે ગુજરાતની ખાધ રૂ ૨૨,૫૪૮ કરોડની થઈ ગઈ હતી. જોકે આ ખાધ રાજકોષિય જવાવદારી અધિનિયમમાં નિયત કરવામાં આવેલા ૩ %ની મર્યાદામા જ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *