માહિતી અને પ્રસારણ મંત્રાલયે આઈટીના નિયમો ૨૦૨૧ હેઠળ ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને ૨૨ યુટ્યુબ ચેનલ, ત્રણ ટ્વિટર એકાઉન્ટ, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઇટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. બ્લોક કરાયેલ યુટ્યુબ ચેનલોની કુલ વ્યુઅરશિપ ૨૬૦ કરોડ હતી. આ એકાઉન્ટ્સ અને ચેનલોનો ઉપયોગ સોશિયલ મીડિયા પર સંવેદનશીલ અને ખોટી માહિતી ફેલાવવા અને ભારતની સુરક્ષા, વિદેશ નીતિ અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત બાબતો પર ફેક ન્યૂઝ ફેલાવવા માટે કરવામાં આવતો હતો.
આઈટીના નિયમો ૨૦૨૧ના આધારે ભારતીય યુટ્યુબ ચેનલો પર પ્રથમ વખત કાર્યવાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે સરકારે ગત વર્ષ ફેબ્રુઆરીમાં આઈટીના નિયમો ૨૦૨૧નું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તાજેતરના બ્લોકિંગ ઓર્ડર હેઠળ, ૧૮ ભારતીય અને ૪ પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.