પેટ્રોલ ડિઝલ: પ્રજાને ૩૦% સસ્તા ક્રુડ ઓઈલનો લાભ જ નથી મળતો

પેટ્રોલ અને ડિઝલના ભાવ દેશભરમાં ૧૦ રૂપિયા પ્રતિ લીટર જેટલા વધી ગયા છે. બજારના નિષ્ણાતો એવું માને છે કે ત્રણ મહિના સુધી ભાવ સ્થિર રહ્યા પછી બન્ને ઇંધણની કિંમતમાં કુલ વધારો  રૂ.૨૦ થી ૨૩ પ્રતિ લીટર જેટલો રહી શકે છે. આટલી ઉંચી કિંમત વધવા માટે જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ઊંચા ભાવ છે એમ સ્થાનિક ક્રુડ ઓઈલ, સસ્તું હોવા છતાં તેની ઇંધણની કિમત નક્કી કરવાની પ્રક્રિયામાં ગણતરી નહી થતી હોવાથી પણ ભાવ ઊંચા છે. ભારત તેની જરૂરિયાતના ૮૦ % ભલે આયાત કરે પણ ૨૦ % સ્થાનિક ઉત્પાદનથી મેળવે છે અને તેના ભાવ વસીવ્હી ભાવ કરતા  ૩૦ % જેટલા નીચા હોવાનું ખુદ સરકાર સ્વીકારે છે.

સરકાર ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ નક્કી કરે છે તેમાં બ્રેન્ટ ક્રુડનું પ્રમાણ ૭૨ % અને બાકીના ૨૮ % દુબઈ ઓમાન ગ્રેડના ક્રુડના છે. ભારત તેની જરૂરીયાતના ૨૦ થી ૨૫ % સ્થાનિક ઉત્પાદન કરે છે. પણ રીફાઈન્ડ પ્રોડક્ટની ખાસ કરીને પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ ના ભાવ નક્કી કરવા માટે સ્થાનિક ક્રુડની કોઈ ગણતરી કરવામાં આવી નથી.

૨૦૧૪માં પેટ્રોલ ઉપર પ્રતિ લીટર રૂ.૯.૪૮ અને ડિઝલ ઉપર ૫.૫૬ એક્સાઈઝડ્યુટી હતી. પણ દુઝતી ગાયના ટેક્સ ઉપર નભતી કેન્દ્ર સરકારે સતત ઘટીરહેલા ભાવનો પ્રજાને લાભ આપવાના બદલે તે વધારવાનું શરૂ કર્યું હતું. નવેમ્બર ૨૦૨૧માં પેટ્રોલ ઉપર ડ્યુટી વધી ૩૨.૯૦ અને ડિઝલ ઉપર તે વધી ૩૧.૮૦ પ્રતિ લીટર થઇ ગઈ હતી. બન્ને ઇંધણના ભાવ દેશમાં વિક્રમી સપાટીએ પહોંચ્યા અને ચાર રાજ્યોમાં વિધાસભાની ચુંટણી આવી રહી હતી એટલે તેમાં ૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ ઘટાડો કરવામાં આવ્યો. અત્યારી પેટ્રોલ ઉપર ૨૭.૯૦ પ્રતિ લીટર અને ડિઝલ ઉપર રૂ.૨૧.૮૦ પ્રતિ લીટર એક્સાઈઝ લાદવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *