અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના પુલ કે ખિશ્તી મસ્જિદ પાસે બની હતી. કાબુલના સુરક્ષા વિભાગે આ મામલાની માહિતી આપી છે. વિસ્ફોટ મસ્જિદમાં નમાજીઓ પર ફેંકવામાં આવેલા ગ્રેનેડને કારણે થયો હતો. પ્રારંભિક અહેવાલો અનુસાર આમાં છ લોકો ઘાયલ થયા છે. આ પહેલા રવિવારે કાબુલના મધ્ય વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત અને ઓછામાં ઓછા ૫૯ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ હતા. આ માહિતી હોસ્પિટલ સત્તાવાળાઓએ આપી હતી.
કાબુલની ઈમરજન્સી હોસ્પિટલે જણાવ્યું કે, હોસ્પિટલમાં એક શબ લાવવામાં આવ્યો છે અને ૫૯ લોકોની સારવાર કરવામાં આવી છે, જેમાંથી ૩૦ ઘાયલોને સારી સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જોકે, હોસ્પિટલે ઈજાગ્રસ્તોને કેટલી ઈજાઓ થઈ છે તે અંગે કોઈ માહિતી આપી નથી. તાલિબાનની કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝદરને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં કરન્સી એક્સ્ચેન્જર્સને લૂંટવા માંગતા સંભવિત ચોર દ્વારા ફેંકવામાં આવેલા હેન્ડ ગ્રેનેડને કારણે વિસ્ફોટ થયો હતો.
અફઘાનિસ્તાનના તાલિબાન શાસકોએ ગયા વર્ષે ઓગસ્ટમાં સત્તામાં આવ્યા બાદથી સમગ્ર દેશમાં સુરક્ષા વધારી દીધી છે. તાલિબાન લડવૈયાઓ સમગ્ર શહેરમાં ડઝનેક ચોકીઓ પર તૈનાત છે. તાલિબાન સામેનો સૌથી મોટો ખતરો ઇસ્લામિક સ્ટેટ જૂથ છે. જે ઇસ્લામિક સ્ટેટ ઇન ખોરાસન પ્રાંત તરીકે ઓળખાય છે. એક નિવેદનમાં, આઇએસ એ શનિવારે મોડી રાત્રે કહ્યું કે, તેણે કાબુલમાં તાલિબાનના એક વાહનને નિશાન બનાવ્યું, જેમાં વાહનમાં સવાર તમામ લોકો માર્યા ગયા હતા. જો કે, તાલિબાન શાસકો દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી નથી.