માધવપુર મેળાને અનુલક્ષીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સૌરાષ્ટ્રની મુલાકાતે પધારનાર છે. જે અન્વયે તા. ૧૧/૦૪/૨૦૨૨ના રોજ રાજકોટ એરપોર્ટ ખાતે ટ્રાન્ઝિટ વિઝીટને અનુલક્ષીને તેમનું ટૂંકું રોકાણ થનાર છે.
રાજકોટ ખાતે રેડ કાર્પેટ પર મ્યુઝિક બેન્ડની સુરાવલી સાથે રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે. કલેકટર અરુણ બાબુએ આ સંદર્ભે આયોજિત મિટિંગમાં વિવિધ સંબંધિત વિભાગ મેડિકલ, ફૂડ, ફાયર, પોલીસ, તેમજ એરપોર્ટ ઓથોરિટી અને પ્રાંત વિભાગને સંલગ્ન કામગીરીમાં કોઈ કચાસ ના રહી જાય તે માટે આયોજન અને અમલીકરણ સમયબદ્ધ પૂર્ણ કરવા સૂચના આપી હતી.
કલેકટર કે.બી. ઠક્કરે સંબંધિત વિભાગની કામગીરી અંગે સંકલન કરેલું હતું. આ તકે નાયબ મ્યુનિસિપલ કમિશ્નર એ.આર.સિંધ, પ્રાંત અધિકારીઓ, એરપોર્ટ ઓથોરિટી, પોલીસ, ફૂડ, આર.એન્ડ.બી. બી.એસ.એન.એલ. પી.ડી.યુ. હોસ્પિટલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રાજકોટ કલેક્ટરે માધવપુર મેળાનાં અનુલક્ષીને તૈયારીઓની સમીક્ષા કરી, આગામી ૧૦/૦૪/૨૦૨૨ થી ૧૪/૦૪/૨૦૨૨ દરમિયાન યોજાનારા માધવપુર મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.