રશિયા યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની વચ્ચે આજે વર્ચુઅલ મીટિંગ થશે. આ બેઠક એવા સમયમાં થઈ રહી છે જ્યારે યુક્રેન પર રશિયાના હુમલાને લઈને બંને દેશો વચ્ચે ગંભીર મતભેદ છે. છેલ્લા મહિને જ ક્વાડ લીડર્સની મીટિંગ દરમિયાન બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ ચૂકી છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું બંને નેતાઓ વચ્ચેની મુલાકાત દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરશે. બંને નેતા દક્ષિણ એશિયા, હિંદ પેસિફિક ક્ષેત્ર અને વૈશ્વિક મુદ્દા પર ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે. બંને નેતાઓ વચ્ચે આ બેઠક વોશિંગટોનમાં થનારી ભારત-અમેરિકા ટૂ પ્લસ ટૂ મંત્રીસ્તરીય વાર્તા પહેલા થશે.
ટૂ પ્લસ ટૂ વાતચીતમાં બંને દેશોની વચ્ચે ડિફેન્સ પાર્ટનરશિપને મજબૂત કરવા અને વધારવા પર ચર્ચા થશે. તેનું નેતૃત્વ રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી એસ જયશંકર અને યુએસ સમકક્ષ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન તથા વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન કરશે. આ વાતચીતમાં દ્વિપક્ષીય સબંધોને મજબૂત કરવા પર ચર્ચા થશે. તેની સાથે જ વ્યૂહાત્મક ભાગીદારી, ટેકનોલોજી, સપ્લાય ચેઈન, શિક્ષણ સહયોગ, સંરક્ષણ ભાગીદારી પણ ચર્ચાના મુદ્દા હશે.
રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈને બંને દેશોના સ્ટેન્ડ અલગ-અલગ છે. અમેરિકા, યુરોપીય યુનિયન સહિત ઘણા પશ્ચિમી દેશો ભારતના આ વલણની ટીકા કરી રહ્યા છે. અમેરિકા દ્વારા ભારતને ચેતવણી આપવામાં આવી ચૂકી છે કે, જો ભારત રશિયા સાથે પોતાના સબંધ ચાલું રાખશે તો તેની કિંમત ચૂકવવી પડશે. તેની સાથે જ અમેરિકાએ ભારતની સામે પ્રસ્તાવ રાખ્યો હતો કે, તે ભારતને હથિયાર આપશે પરંતુ એક શરત મૂકવામાં આવી છે કે, રશિયા પાસેથી હથિયારો પરની નિર્ભરતા ઘટાડવી પડશે. આ સિવાય ભારતને રશિયા પાસેથી તેલ અને ગેસની આયાત બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે.