ટી-૨૦ વર્લ્ડ કપ: વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા ટી-૨૦ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયા

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ ૨૦૨૪માં યોજાનાર ટી-૨૦ વર્લ્ડ કપને લઈને ઘણા નિયમો સ્પષ્ટ કર્યા છે. ટૂર્નામેન્ટની મેચો વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાવાની છે. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ રમ્યા વિના ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ગયા છે. હોસ્ટ હોવાના કારણે તેને આ તક આપવામાં આવી છે. દુબઈમાં રવિવારે યોજાયેલી ICCની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વૈશ્વિક ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત 20 ટીમોને સ્થાન આપવામાં આવ્યું છે. ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ની મેચો ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાવાની છે. જેમાં કુલ ૧૬ ટીમો ભાગ લઈ રહી છે.

ક્રિકઇન્ફોના સમાચાર અનુસાર, ૨૦ માંથી ૧૨ ટીમોને ટી-૨૦ વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળશે. જેમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-૨૦ વર્લ્ડ કપની ટોપ-૮ ટીમો સિવાય ૨ યજમાન દેશો સામેલ છે. અન્ય બે ટીમો અંગેનો નિર્ણય આ વર્ષે ૧૪ નવેમ્બરે ટોચની રેન્કિંગ ટીમોના આધારે લેવામાં આવશે. એટલે કે ૧૦ ટીમો સિવાય રેન્કિંગની ટોપ-૨ ટીમોને તેમાં સ્થાન મળશે. અમેરિકાની ટીમને પ્રથમ વખત ટી-૨૦ વર્લ્ડ કપમાં રમવાની તક મળશે. તે હાલમાં આઈસીસીના એસોસિયેટ સભ્ય છે.

જો વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-૨૦ વર્લ્ડ કપમાં ટોપ-8માં સ્થાન મેળવવામાં સફળ રહેશે તો રેન્કિંગમાં ટોપ-2ને બદલે ટોપ-3ને વર્લ્ડ કપ રમવાની તક મળશે. અન્ય આઠ ટીમો પ્રાદેશિક ક્વોલિફાયરના આધારે નક્કી કરવામાં આવશે. એશિયા, આફ્રિકા અને યુરોપની ટોપ-૨ ટીમો વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે. તે જ સમયે, અમેરિકા અને પૂર્વ એશિયા પેસિફિકમાંથી એક-એક ટીમને તક મળશે.

ટી-૨૦ વર્લ્ડ કપની ૯મી સિઝન હશે. ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં ૮મી સિઝન યોજાવાની છે. વેસ્ટ ઈન્ડિઝે બે વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ભારત, શ્રીલંકા અને ઈંગ્લેન્ડે એક-એક વાર ખિતાબ કબજે કર્યો છે. ગયા વર્ષે UAEમાં આયોજિત ટૂર્નામેન્ટની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. તે ૨૦૦૭ માં પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *