રાજકોટની સરકારી શાળાઓમાં પ્રોજેક્ટ દિકરી હેઠળ સેનિટરી પેડ વિનામૂલ્યે મળી રહે તે માટે વેન્ડિંગ મશીન મુકાયા
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના સહકારથી થોડા સમય પહેલા રાજકોટની ૧૨૦ સરકારી શાળાઓમાં પ્રોજેક્ટ દિકરી હેઠળ શાળામાં ભણતી દીકરીઓ માટે મૂકવામાં આવેલા વેન્ડિંગ મશીનનો લાભ દિકરીઓ અને વિદ્યાર્થિનીઓ લઈ રહી છે. આ વેન્ડિંગ મશીનો દ્વારા દીકરીઓને વિનામૂલ્યે સેનિટરી પેડ આપવામાં આવે છે. માસિક ચક્રમાં સ્વછતા જાળવણીની સમજણ કેળવવા તેમજ સેનિટરી પેડનો ઉપયોગ શું છે તે સમજાવવા આ યોજના શરૂ કરવામાં આવી હતી.
આ યોજનાને સારો પ્રતિસાદ મળતાં આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની વધુ ૩૦૦ શાળાઓમાં આ પ્રકારના સેનિટરી પેડ વિનામૂલ્યે મળી રહે તે માટે વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે.