PM નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ માટે ગુજરાત ની મુલાકાતે; વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ થી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મોદી આ પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ સાંજે લગભગ ૬ વાગ્યે મોદી ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે.

૧૯ એપ્રિલના રોજ સવારે લગભગ ૯:૪૦ કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારપછી, લગભગ ૩:૩૦ કલાકે તેઓ જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે.

૨૦ એપ્રિલના રોજ સવારે લગભગ ૧૦:૩૦ વાગે પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ, બપોરે લગભગ ૩:૩૦ કલાકે પ્રધાનમંત્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાતઃ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે લગભગ ૬ વાગ્યે ગાંધીનગરમાં શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. આ કેન્દ્રમાં દર વર્ષે ૫૦૦ કરોડ કરતાં વધારે ડેટા સેટ્સ એકઠા કરવામાં આવે છે અને મોટા ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે એકંદરે અભ્યાસના પરિણામોમાં વધારો કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે. આ કેન્દ્ર દૈનિક ધોરણે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી જોવામાં પણ કરવામાં મદદ કરશે. સાથે જ વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામોનું કેન્દ્રીયકૃત સમયાંતર મૂલ્યાંકન કરવામાં પણ મદદ કરશે. શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વિશ્વ બેંકે વૈશ્વિક શ્રેષ્ઠ કામગીરી માની છે. સાથે જ વિશ્વ બેંકે અન્ય દેશોને પણ આની મુલાકાત લેવા માટે અને તેમાંથી શીખવા માટે આમંત્રણ આપ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *