ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ( GST )કાઉન્સિલની બેઠક આવતા મહિને યોજાવાની છે. આ બેઠકમાં કાઉન્સિલ ૫ % ટેક્સ સ્લેબને રદ્દ કરી શકે છે. આ સ્લેબને રદ્દ કરીને જીએસટી કાઉન્સિલ તેને ૩ અને ૮ % ના સ્લેબમાં વિભાજિત કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે. અહેવાલ અનુસાર દેશના મોટાભાગના રાજ્યો વળતરની ભરપાઈ માટે માટે કેન્દ્ર પર નિર્ભરતા દૂર કરવા માટે આવક વધારવા મુદ્દે આ વિકલ્પ માટે સંમત થયા છે.
પ્રસ્તાવ અનુસાર મોટા પાયે વપરાશની કેટલીક વસ્તુઓને ૩ % ના ટેક્સ સ્લેબમાં રાખવામાં આવશે અને બાકીની વસ્તુઓ પર ૮ % ના સ્લેબમાં ટેક્સ લાગશે. હાલમાં જીએસટીમાં કુલ ૪ ટેક્સ સ્લેબ ૫, ૧૨, ૧૮ અને ૨૮ % છે. આ ઉપરાંત સોના અને સોનાના ઘરેણા પર ૩ % ટેક્સ લાગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાઉન્સિલની આવક વધારવા માટે કેટલીક બિન-ખાદ્ય ચીજો જેના પર ટેક્સ નથી વસૂલાતો તેને ૩ % ના સ્લેબમાં લાવીને આવક વધારવા પર ફોક્સ કરી શકે છે.
૫ % ના સ્લેબને ૭, ૮ કે ૯ % કરવા અંગે ચર્ચા ચાલી રહી છે. આ મામલે અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલ લેશે જેમાં કેન્દ્રીય નાણા પ્રધાન અને રાજ્યોના નાણાં પ્રધાનો હોય છે.
૫ % ના સ્લેબમાં ૧ % નો વધારો થશે તો તેના પરિણામે વાર્ષિક વધારાની રૂ. ૫૦,૦૦૦ કરોડની આવક થશે. આ સ્લેબમાં મુખ્યત્વે પેકેજ્ડ ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. જીએસટી હેઠળ આવશ્યક ચીજવસ્તુઓ પરના ટેક્સનો દર સૌથી નીચો રાખવામાં આવે છે અથવા તેમને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે. જ્યારે સૌથી વધુ ટેક્સ ૨૮ % લક્ઝરી વસ્તુઓ પર વસૂલવામાં આવે છે અને આ રકમ જીએસટીના અમલીકરણને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે રાજ્યોને આપવામાં આવે છે.
સમિતિ આગામી મહિનાની શરૂઆતમાં તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપે તેવી અપેક્ષા છે. આ પછી તેને અંતિમ નિર્ણય માટે કાઉન્સિલની આગામી બેઠકમાં રજૂ કરવામાં આવશે. આ બેઠક મેના મધ્યમાં યોજાય તેવી શક્યતા છે.