ભારત દેશની સૌથી મોટી સ્ટીલ કંપની ટાટા સ્ટીલ ટૂંક સમયમાં જ પોતાનો રશિયા સાથેનો કારોબાર બંધ કરશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈ અનેક ગ્લોબલ કંપનીએ રશિયામાં પોતાનો કારોબાર અટકાવ્યો છે અને ટાટા સ્ટીલ આ કડીમાં જોડાનારી નવી ગ્લોબલ કંપની છે.
ટાટા સ્ટીલે પોતાના એક નિવેદન દ્વારા સ્પષ્ટતા કરી કે, રશિયામાં કંપનીની કોઈ ફેક્ટરી નથી અને ત્યાં કોઈ ઓપરેશનલ કામ પણ નથી ચાલતું. કંપનીના કોઈ કર્મચારી પણ રશિયામાં નથી. રશિયામાં કારોબાર બંધ કરવાનો નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લેવામાં આવ્યો છે.
ટાટા સ્ટીલ પોતાની ફેક્ટરી ચલાવવા અને સ્ટીલ બનાવવા માટે રશિયાથી કોલસાની આયાત કરે છે. કંપનીના સ્ટીલના કારખાનાઓ ભારત ઉપરાંત બ્રિટન અને નેધરલેન્ડમાં પણ છે. કંપનીના કહેવા પ્રમાણે આ કારખાનાઓને પુરવઠો પૂરો પાડવા માટે વૈકલ્પિક માર્કેટમાંથી કાચા માલનો પ્રબંધ કરવામાં આવી રહ્યો છે.
રશિયાના યુક્રેન પરના આક્રમણનો વિરોધ કરવા માટેના અનેક સત્તાવાર પ્રસંગોએ ભારત અનુપસ્થિત રહ્યું છે. ઉપરાંત ભારતે રશિયા પર કોઈ પણ પ્રકારના આર્થિક પ્રતિબંધો પણ નથી મુક્યા. આ મામલે અનેક પશ્ચિમી દેશો ભારત પર સતત દબાણ લાવી રહ્યા છે.