બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનના ભારત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભાવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સાથે સેનાના જવાનો દ્વારા યુકેના પ્રધાનમંત્રી જોન્સનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ જોન્સને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ રાજઘાટ જઈ બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજઘાટ પર તેમણે વિઝિટર બુકમાં સંદેશો પણ આપ્યો હતો. સાથે રાજઘાટ પર તેમને બાપુની પ્રતિમા અને મહાત્મા ગાંધીના જીવન ચરિત્ર પર લખાયેલી પુસ્તિકા પણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે મીડિયાને સંબોધન કરતાં બોરિસ જોન્સને કહ્યું કે, ઉષ્માભેર સ્વાગત કરવા બદલ મિત્ર નરેન્દ્ર મોદીનો અને ભારતનો આભારી છું અને આ સ્વાગત હંમેશા યાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું કે, ભારત અને બ્રિટન વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ છે. આજે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ભારતમાં રોડમેપ ૨૦૩૦ના કાર્યોની સમિક્ષા પણ કરશે. સાથે જ બંને દેશ વૈશ્વિક અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશે. બંને નેતા દેશના હિતમાં આવતા ક્ષેત્રિય અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ પોતાના વિચારો એકબીજા સમક્ષ મુકશે. બ્રિટન અને ભારત વચ્ચે ઘણા ક્ષેત્રોમાં કરાર પણ થઈ શકે છે.