કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઉભી થઇ છે. ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ઉકળતા ચરૂની સ્થિતિ સામે આવી છે. કોંગ્રેસના નેતા કૈલાશ ગઢવીએ કોંગેસમાંથી રાજીનામું આપ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પર રોષ ઠાલવીને રાજીનામું આપ્યું. આ અંગે તેઓએ પાર્ટી વિરુદ્ધ ટ્વિટ કરીને બળાપો કાઢ્યો હતો.
કોંગ્રેસમાં એક બાદ એક નારાજગીના સૂર ઉઠી રહ્યા છે. અહેમદ પટેલના દિકરાએ અગાઉ ટ્વિટ કરીને કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે કૈલાસ ગઢવીએ રાજીનામુ આપતા કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે. તેઓએ ટ્વિટ કરતા જણાવ્યું કે સત્તા મેળવવા માટે કે સરકાર બનાવવા માટે કટ્ટર સંકલ્પના અભાવમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાં સરકાર બનાવવામાં અસફળ રહ્યું છે. જેના કારણે સૌથી વધુ નુકસાન જમીની સ્તર સાથે જોડાયેલા એ કાર્યકર્તાઓને થાય છે જેઓ દિવસ રાત મહેનત કરે છે. હવે બહુ થાક થયો, ચાલો કંઇક નવું કરીએ. તો બીજી તરફ મળતી માહિતી મુજબ કૈલાશ ગઢવી પક્ષના ૧૦થી ૧૫ જેટલા હોદ્દેદારો પણ કોંગ્રેસ છોડશે.
કૈલાશ ગઢવી ૨૦૦૭થી કોંગ્રેસ પાર્ટીમાં એક્ટિવ રહ્યો છું. પાર્ટીએ જે કીધુ એ કામ કર્યું. પરંતુ સરકાર બનાવવાની જે આગ હોયને તેની ઉણપ દેખાઇ છે. પાર્ટીને સત્તામાં લાવવા માટે કાર્યકરો મહેનત કરે છે. પછી થોડી દિવસોમાં વ્યવસ્થા ખોરવાઇ જાય છે, અને પછી એવા નિર્ણયો લેવામાં આવે છે જેના કારણે પાર્ટી સત્તામાં આવતી આવતી રહી જાય છે. ગઇ વખતે પણ ૨૦ સીટી આવી રીતે જ ગઇ. અને હજુ પણ જે મક્કમતા આવવી જોઇએ એ દેખાતી નથી. જગદીશભાઇ મહેનત ઘણી કરી રહ્યા છે પણ બાકીના લોકો તેમની મહેનત ફળવા દે તેમ નથી લાગતું.
ગઢવીએ આગામી રણનીતિ અંગે આવતી કાલ બપોર સુધીમાં જણાવી દેશે કે તેઓ કયા પક્ષ સાથે જોડાઇ રહ્યા છે. તો બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કૈલાશ ગઢવી આપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સીએ કૈલાશ ગઢવી કોંગ્રેસ પ્રવક્તા રહી ચૂક્યા છે. પ્રોફેશનલ કોંગ્રેસના વડા પણ રહી ચૂક્યા છે.
કૈલાશ ગઢવી થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલને મળી ચૂક્યા છે. ત્યારે તે આપમાં જોડાઈને નવાજૂની કરવાના એંધાણ કરે તો નવાઇ નહી.