આજે પ્રધાનમંત્રી શિવગિરી તીર્થયાત્રાની ૯૦મી વર્ષગાંઠ તથા બ્રહ્મ વિદ્યાલયના સુવર્ણ જંયતિના સમારંભમાં લેશે ભાગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૧૦:૩૦ વાગ્યે ૭ લોક કલ્યાણ માર્ગ ખાતે શિવગીરી યાત્રાધામની ૯૦મી વર્ષગાંઠ અને બ્રહ્મ વિદ્યાલયની સુવર્ણ જયંતિની વર્ષભરની સંયુક્ત ઉજવણીના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. તેઓ વર્ષ લાંબી સંયુક્ત ઉજવણી માટે લોગો પણ લોન્ચ કરશે. શિવગીરી યાત્રાધામ અને બ્રહ્મ વિદ્યાલય બંને મહાન સમાજ સુધારક નારાયણ ગુરુના આશીર્વાદ અને માર્ગદર્શનથી શરૂ થયા હતા.

શિવગિરી તીર્થયાત્રા દર વર્ષે ૩૦ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી ત્રણ દિવસ માટે શિવગિરી, તિરુવનંતપુરમ ખાતે યોજાય છે. નારાયણ ગુરુના મતે, તીર્થયાત્રાનો ઉદ્દેશ્ય લોકોમાં વ્યાપક જ્ઞાનનું નિર્માણ કરવાનો અને તેમના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિમાં મદદરૂપ થાય એ માટેનો હોવો જોઈએ. તીર્થયાત્રા, તેથી, ૮ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમ કે શિક્ષણ, સ્વચ્છતા, ધર્મનિષ્ઠા, હસ્તકલા, વેપાર અને વાણિજ્ય, કૃષિ, વિજ્ઞાન અને તકનીક અને સંગઠિત પ્રયાસ.

 

૧૯૩૩માં મુઠ્ઠીભર ભક્તો સાથે આ યાત્રા શરૂ થઈ હતી પરંતુ હવે તે દક્ષિણ ભારતમાં મુખ્ય ઘટનાઓમાંની એક બની ગઈ છે. દર વર્ષે, જાતિ, સંપ્રદાય, ધર્મ અને ભાષાને ધ્યાનમાં લીધા વિના વિશ્વભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ યાત્રામાં ભાગ લેવા માટે શિવગીરીની મુલાકાત લે છે.

નારાયણ ગુરુએ તમામ ધર્મોના સિદ્ધાંતોને સમાનતા અને સમાન આદર સાથે શીખવવા માટે એક સ્થળની પણ કલ્પના કરી હતી. આ દ્રષ્ટિને સાકાર કરવા માટે શિવગીરીની બ્રહ્મ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. બ્રહ્મ વિદ્યાલય શ્રી નારાયણ ગુરુની કૃતિઓ અને વિશ્વના તમામ મહત્વપૂર્ણ ધર્મોના ગ્રંથો સહિત ભારતીય તત્વજ્ઞાન પર ૭ વર્ષનો અભ્યાસક્રમ પ્રદાન કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *