વાસદ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એક ટ્રકમાં છ જેટલા શખ્શો હાઈવે ઉપર વાહનચાલકોને મારઝુડ કરી વાહનમાંથી ડિઝલ ચોરી કરવાનું કૃત્ય કરે છે. અને આ ગેંગ ઘાતક હથિયારો સાથે વાસદથી વડોદરા તરફ જનાર છે. તેવી બાતમી વાસદ પોલીસને મળી હતી. જેથી વાસદ પોલીસની ટીમે બાતમીના વર્ણન વાળી ટ્રકને કોર્ડન કરી તપાસ કરતા કેબિનમાંથી છ શખ્શો મળી આવ્યા હતા. જો કે પોલીસને જોઈ આ છ શખ્શોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. પરંતુ પોલીસે બળ પ્રયોગ કરી તમામ છ શખ્શોને ઝડપી પાડયા હતા.
પોલીસે ટ્રકની પાછળના ભાગે તપાસ કરતા પ્લાસ્ટીકના કેરબાઓ, ધારીયું, લોખંડની પાઈપ, ધારદાર પથ્થરો જેવા ઘાતક હથિયારો મળી આવ્યા હતા. કેટલાક કેરબાઓમાંથી ડિઝલ મળી આવ્યું હતું. જે અંગે પુછપરછ કરતા ઝડપાયેલ શખ્શોએ વાસદથી તારાપુર, વટામણ, બગોદરા, ધોળકા, ખેડા અને નડિયાદ થઈ પરત વાસદ આવતા હાઈવે રોડ ઉપર જુદી-જુદી જગ્યાઓએ પાર્ક કરેલ વાહનોમાંથી ડિઝલ ચોરી કરીને લાવ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે છ શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.