રમઝાન ઈદના તહેવારને અનુલક્ષીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાહપુર, કારંજ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું જ્યારે અન્ય વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ હાથ ધરાયું.
રમઝાન માસની વિદાયના આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ઇદના ચાંદના દીદાર માટે મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. તહેવારોમાં ભારે ભીડ એકઠી ન થાય તે માટે લાલ દરવાજા શાહપુર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં આજે સવારે અમદાવાદના સેકટર 1 દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત કારંજ, લાલ દરવાજા, દિલ્હી ચકલા, મિર્ઝાપુર, શાહપુર સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ફુટ પેટ્રોલીંગ અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ તેમજ પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ અમદાવાદના શાહપુર, કારંજ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.
ફુટ પેટ્રોલિંગમાં પોલીસ દ્વારા લોકોને ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા માટે સૂચન પણ કરાયું હતું. આમ અમદાવાદમાં ઈદના તહેવારને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ત્યારે તહેવારમાં ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.