રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વધુ એક મેગા ડિમોલીશનની તૈયારી શરૂ કરવામાં આવી છે. આમ વર્ષો પછી શહેરના સૌથી જૂના વિસ્તાર એવા જંગલેશ્વર વિસ્તારમાં રોડ પર રહેલા દબાણો હટાવીને આ માર્ગ ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ લેવામાં આવી છે. મહત્વનું છે કે, રોજકોટ મનપાના કર્મચારીઓએ ડિમોલીશન પુર્વે પોલીસ બંદોબસ્ત સાથે દબાણોનો સર્વે પૂર્ણ કર્યો છે.
જંગલેશ્વરના ૧૫ મીટરના ટીપી રોડ પર વર્ષો જુના ૫૦૦ જેટલા મકાન આવેલા છે. આ પૈકી મોટા ભાગના મકાનોના આગળના ભાગે રોડ ઉપર દબાણ કર્યું છે. ભુતકાળમાં આ દબાણો હટાવવાના સર્વે થયા હતા તે બાદ તાજેતરમાં ફાઇનલ સર્વે શરૂ કર્યો હતો. ટીપી અધિકારીઓની ટીમ દ્વારા આ કાર્યવાહી કરીને કપાતમાં આવતા મકાનો પર માર્કિંગ પણ કરવામાં આવ્યા છે. આમ વિસ્તારોમાંથી દબાણો હટતાની સાથે માર્ગ ખુલ્લો થશે જેને લઈને વાહન વ્યવહાર માટેનો મોટો રસ્તો ખુલશે. બીજી તરફ આ ડિમોલીશન થાય એટલે સોરઠીયાવાડી ચોકનું આ તરફનું ટ્રાફિકનું ભારણ પણ હળવું થવાની આશા છે.
રાજકોટના સૌથી મોટા ડિમોલીશન માટે પણ મનપાની ટીપી શાખાએ વહીવટી પ્રક્રિયા કરી છે. આ ડિમોલીશન જયારે થાય ત્યારે પરંતુ જંગલેશ્વરના વિસ્તારમાં પણ ૫૦૦ જેટલા મકાનો હટાવવાની તૈયારી શરૂ થઇ છે. તેમજ આ અંગે મનપાની ટીમો દ્વારા પૂર્ણ કરાયેલા સર્વેના આધારે આસામીઓને નોટીસ આપવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
