અમદાવાદમાં પ્રતિબંધ લાગુ થવા જઈ રહ્યો છે. ઝભલાં,થેલીઓ, સિંગલ યુઝ પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ બંધ

પ્લાસ્ટિક સ્ટ્રો, ચા/પાણી/જ્યુસના કપ, નાઇફ, ફોર્ક, સ્પૂન, લંચપેક કે ડિનરપેકમાં વપરાતી પ્લાસ્ટિકની થાળી વગેરેના ઉપયોગ/વેચાણ, ઉત્પાદનકર્તા/સંઘરાખોરો સામે આકરાં પગલાં લેવાશે.

સામાન્ય વરસાદમાં શહેર જળબંબાકાર થઈ જતું હોઈ તે માટે અમદાવાદ મ્યુનિ. સત્તાવાળાઓ ઝભલાં થેલીઓ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને મુખ્ય જવાબદાર ગણે છે. આવો પ્લાસ્ટિકનો કચરો આડેધડ રીતે વપરાતો હોઈ તે વરસાદના પાણી સાથે વહીને કેચપીટમાં ઠલવાઈને વરસાદી પાણીના નિકાલને અવરોધે છે. મશીન હોલમાં ઘૂસી જઈને ગટરના પ્રશ્નો ઊભા કરે છે. આમ તો તંત્ર છેલ્લાં ૩/૪ વર્ષથી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ હાથ ધરે છે, પરંતુ તે ક્યારેક જ થતી હોઈ ખાસ અસરકારક બનતી નથી, જોકે હવે આગામી તા. ૦૧/૦૫/૨૦૨૨થી સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે પ્રતિબંધ મુકાવાનો છે.

શહેરમાં પ્લાસ્ટિકનો છૂટથી ઉપયોગ થતો હોઈ તે પ્રી-મોન્સૂન એક્શન પ્લાનના ફિયાસ્કા માટે જવાબદાર છે તેવું પૂર્વ કમિશનર વિજય નેહરાની જાત તપાસમાં જાણવા મળ્યું હતું. તંત્રે ઓગસ્ટ – ૨૦૧૯માં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે ઝુંબેશ પણ આરંભી હતી, જોકે આ ઝુંબેશ પ્લાસ્ટિકના વેપારીઓના ઉગ્ર વિરોધના પગલે અચાનક બંધ કરી દેવાઈ હતી.

તા. ૦૧/૦૫/૨૦૨૨થી ફરી અમદાવાદ મ્યુનિ. સત્તાધીશો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ / ઉપયોગ, સંગ્રહ કે ઉત્પાદન કરનારા સામે તંત્ર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ અને અમદાવાદ મ્યુનિ. તંત્રના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના બાયલોઝ તેમજ જીપીએમસી એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવાનું છે, જે સંદર્ભમાં આજે સત્તાવાળાઓએ જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *