અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ૨જી મેથી ગરમીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. તેમ છતાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ તો રહેવાનું જ છે. શહેરીજનો ભીષણ ગરમીમાં રીતસર શેકાઈ રહ્યા છે તેવા સમયે મ્યુનિ. સત્તાવાળાઓએ હીટ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. આ પ્લાન હેઠળ લોકોને હીટ સ્ટ્રોકથી બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
લોકોને આકરી ગરમી સામે રક્ષણ આપવા તંત્ર રોડ સાઇડ ગ્રીન નેટની છત ધરાવતા ‘વિસામા’ બનાવી રહ્યું છે. આમ તો હીટ એક્શન પ્લાન હેઠળ શહેરનાં ભરચક ટ્રાફિક જંક્શનોને ગ્રીન નેટનાં આવરણથી ઢાંકીને વાહનચાલકોને ભીષણ ગરમી સામે સુરક્ષિત કરવાનો તંત્રનો આશય છે. જોકે તેનાથી જાહેર રસ્તાઓ પરના સીસીટીવી કેમેરાની કામગીરીને માઠી અસર થતી હોવાથી પોલીસ તંત્રે વાંધો ઉઠાવ્યો હતો એટલે હવે સત્તાવાળાઓ રણનીતિ બદલીને રોડ સાઇડ ગ્રીન નેટની છત ધરાવતા ‘વિસામા’ બનાવી રહ્યા છે.
નવરંગપુરાના આંબાવાડી બજાર, અખબારનગર, વાસણા શાકમાર્કેટ, મેઘાણીનગર શાકમાર્કેટ, કાલુપુર શાકમાર્કેટ, ખારુનાળા, ભટ્ટ ચોક, શાહીબાગમાં અંબાજી માતાનો વાસ, માધુપુરા મહાજન રોડ, માધુપુરા રામદેવ મસાલા, ખાડિયામાં પાંચકૂવા દરવાજા રોડ, ટંકશાળ રોડ, લોખંડ બજાર અને રતનપોળ વગેરે વિસ્તારોમાં તંત્રે લોકોને ગરમી સામે રાહત આપવા ગ્રીન નેટનું આવરણ આપ્યું છે. જોકે ગાંધીરોડના બાલા હનુમાન રોડ પર ગ્રીનને બદલે યલોનેટ લગાવાઈ છે. તંત્ર દ્વારા ઊભા કરાયેલા ‘વિસામા’ પૈકી કેટલાકમાં લોકો તેમનાં વાહન પાર્ક કરતા હોવાની ફરિયાદો પણ ઊઠી છે.
હેલ્થ વિભાગના દક્ષિણ ઝોનના વડા ડો. તેજસ શાહ જણાવ્યું કે લોકોને ધોખધમતા તાપમાં પાણીની તરસ લાગે તે સ્વાભાવિક છે. મ્યુનિ. સત્તાવાળાઓએ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ૭૫૦ પાણીની પરબ શરૂ કરી છે. એએમટીએસ દ્વારા શહેરનાં તમામ બસ ટર્મિનસ પર પેસેન્જર્સ માટે પાણીની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે બીઆરટીએસના મહત્ત્વનાં સ્ટેશનો પર ૨૦ લિટરનાં પાણીના જગ મુકાયા હોવાનો તંત્રએ દાવો કર્યો છે.