ગજરાત રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ નજીક આવી રહી છે. તેમ તેમ પક્ષપલટો વધી રહ્યો છે. ચૂંટણીના રાજકીય લેખાજોખા જોતા હવે નારાજ નેતાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે આજે વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યને રાજીનામું આપ્યું છે. તેઓ આજે ભાજપમાં જોડાય છે.
અશ્વિન કોટવાલે વાતચીતમાં જણાવ્યું કે, નરેન્દ્ર મોદી જે રીતે કામ કરી રહ્યા છે અને આદિવાસી સમાજનો વિકાસ થઇ રહ્યો છે. યોજનાઓનો લાભ છેવાડાના આદિવાસી સમાજને મળી રહ્યો છે. જેથી આ કામ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યો છું. હજી આ ટ્રેલર છે પિક્ચર અભી બાકી છે. આજે હું મારા ૨ હજારથી વધારે ટેકેદારો સાથે જઇને બીજેપીમાં જાડાઇશ.આદિવાસી સમાજના અનેક પ્રશ્નો છે. જેનો સમય આવ્યે બધા સુલઝાવવા અંગેની રજૂઆત કરવામાં આવશે.
ખેડબ્રહ્મા સીટ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. અહીં કોંગ્રેસ ૩ ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલની આગેવાનીમાં કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભુત્વ મેળવી રહી છે. જોકે, એવામાં કોંગ્રેસના જ ધારાસભ્યના ભાજપમાં જવાથી આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે. જ્યારે ભાજપ આ વિસ્તારમાં પણ પોતાનું સારું એવું પ્રભુત્વ જમાવી શકે છે.